રાજકોટ
News of Friday, 23rd August 2019

મલ્હાર મેળામાં જ્યુસવાળા વિક્કી પંજાબીને ત્રણ શખ્સે પાઇપ-ધોકા ફટકાર્યાઃ ગંભીર ઇજા

હોળી વખતે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીએ લોકમેળામાં હોળી સર્જી : મેળો ખુલ્લો મુકાયો એ સાથે ધબધબાટીનું પણ 'ઉદ્દઘાટન'!

રાજકોટ તા. ૨૨: રેસકોર્ષના મલ્હાર મેળાનો ગત સાંજે રંગેચંગે પ્રારંભ થયો એ સાથે જ ધબધબાટીનું પણ ઉદ્દઘાટન થઇ ગયું હતું...પંજાબના અમૃતસરથી રાજકોટના લોકમેળામાં મોસંબી જ્યુસ વેંચવા આવેલા વિક્કીસિંઘ કિરતારસિંઘ પંજાબી (ઉ.૩૫)ને તેના જ વતનના જબ્બરસિંઘ ઉર્ફ બંટી, રાહુલ ઉર્ફ બચ્ચી અને દલજીતસિઘેે રેસકોર્ષના મલ્હાર લોકમેળામાં ઓપન એર થિયેટર પાસે ધોકા-પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારતાં માથા-શરીરે અને પગમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

પ્ર.નગરના એએસઆઇ તૃષાબેન આર. બુહાએ વિક્કીસિંઘની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. તેના કહેવા મુજબ પોતે અને હુમલાખોરો એક જ ગામના હોઇ હોળી વખતે હજારેક રૂપિયા જબ્બરસિંઘ ઉર્ફ બંટી પાસેથી ઉછીના લીધા હતાં. આ પૈસાની મેળામાં ઉઘરાણી કરતાં હાલમાં પૈસા ન હોઇ મેળાનો પહેલો જ દિવસ હોઇ બે-ત્રણ દિવસમાં કમાણી થતાં દેણું ચુકવી દેશે તેમ કહેતાં તેણે અત્યારે જ પૈસા આપવા પડશે તેમ કહી ગાળો દઇ બીજા બે શખ્સો સાથે મળી ધોકા-પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુ પણ માર્યા હતાં.

મેળાના ઉદ્દઘાટન સાથે જ ધબધબાટી બોલી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હુમલાખોરોને સકંજામાં લેવા તજવીજ કરી છે.

(1:39 pm IST)