રાજકોટ
News of Monday, 23rd July 2018

સ્માર્ટ સીટીના ઢોલ વગાડતા કોર્પો.ના શાસકોને શું આ ગંદકી દેખાતી નથી?

રાજકોટ સ્માર્ટ સીટી છે, કરોડોના ખર્ચે સીંગાપુર જેવું બનાવી દેવાના મ્યુ. કોર્પો.ના શાસકોએ પહેલા નગરજનોની પાયાની સુખ - સુવિધા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. પ્રજાની સુખાકારી જાણવા પ્રજાના પૈસે મળેલી કારમાંથી નીચે ઉતરી શહેરની લટાર લગાવવી જોઇએ તો ખબર પડે કે રાજકોટ સ્માર્ટ સીટી છે કે ડર્ટી સિટી છે. જે અમારા તસ્વીરકારની નજરે પડયું તે મ્યુ. કોર્પો.ના શાસકો અને જંગી ફોજની નજરે કેમ ન પડયું તે સવાલ ઉઠે છે. રાજકોટ શહેર જાણે કે ગંદકીના ગંજ ઉપર બેઠું હોય તેવું લાગે છે. ઠેર ઠેર ગંદકી - કચરાના ઢગલા, માખી - મચ્છર - જીવ જંતુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રોગચાળાને આમંત્રણ આપતા કચરાના ઢગલા ૧ ગવલીવાડ, કોટક સ્કુલ પાછળ અને મોદી સ્કુલ (રેલવેના પાટા) પાસે અસહ્ય બદબુ ફેલાવતા કચરાના ઢગલા તસ્વીરમાં દેખાય છે. રાજકોટને કલીન ગ્રીન બનાવવાની વાતો કરવાને બદલે શાસકોએ પ્રજાને રોગચાળાના ખપ્પરમાં જતાં રોકવા માટે વ્હેલી તકે આ બંને સ્થળે સફાઇ અભિયાન ચલાવવું જોઇએ. તેવું આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે. સુરત - ઇન્દોર જેવા શહેરોમાંથી પ્રેરણા લઇને પ્રજાને ગંદકીથી મુકિત અપાવવી જોઇએ. આ શહેરો સ્વચ્છ કઇ રીતે બન્યા તેના પાઠ આ શહેરોમાંથી શીખવા જોઇએ તેવું આ વિસ્તારના અને કોર્પો.ના નિંભર તંત્રનો ભોગ બનેલા લોકોનું કહેવું છે.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:56 pm IST)