રાજકોટ
News of Wednesday, 23rd June 2021

રૈયાધાર લાઈટ હાઉસ બાંધકામ સાઈટ પર કેમ્પઃ ઈ-નિર્માણ કાર્ડ, મેડીકલ ચેકઅપ સહિત માર્ગદર્શન

રાજકોટ તા.૨૨ : રાજય સરકાર દ્વારા શ્રમિકો અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે અનેક યોજનાઓ અમલી છે. આ યોજનાના અમલીકરણમાં જયારે અમલીકરણ વિભાગના કર્મયોગીઓનો પરિશ્રમ ભળે ત્યારે આ યોજનાઓ લાભાર્થીઓ માટે પારસમણી સમાન બની રહે છે.

 રાજકોટ ખાતે કાર્યરત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા તાજેતરમાં રૈયાધાર સ્થિત સ્માર્ટ સીટી અટલ સરોવર સાઇટ પર કામ કરતા ૨૦૦થી વધુ શ્રમિકો માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું.

 રાજકોટ ખાતે યોજાયેલ કેમ્પનો હેતુ ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા સાઇટ પરના શ્રમીકોને ઇ-નિર્માણ કાર્ડનું રજીસ્ટ્રેશન ઉપરાંત તમામ શ્રમિકોનું મેડીકલ ચેકઅપ કરાવી સ્વાસ્થયની ચકાસણી કરવી વગેરે હતો. આ કેમ્પમાં તમામ શ્રમિકોને પ્રોજેકટ મેનેજર શ્રી વિપુલ જાની દ્વારા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેઓને મળતા લાભો વિશે અવગત કરાયા હતા. તદઉપરાંત ઔધોગિક સલામતી અને સ્વાસ્થય વિભાગના બી.ઓ.સી. ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.કકકડ દ્વારા સાઇટ પર કામ કરતી વખતે સ્વસુરક્ષાના સાધનો અંગે તથા સાવચેતીના લેવાના થતાં પગલાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.

 ઉલ્લેખનીય છે કે બાંધકામ શ્રમિકો માટે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી ઇ –નિર્માણ કાર્ડ વિનામૂલ્યે મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન નજીકના કોઇપણ સી.એસ.સી. સેન્ટર પરથી કરી શકાશે.

 આ કેમ્પ ખાતે મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના  જિલ્લા નિરીક્ષકશ્રી એમ..ડી.કકકડ, શ્રી એ.બી.ચંદારાણા, પ્રોજેકટ મેનેજર સુશ્રી રાજેશ્વરીબેન કલૈયા, એલ. એન્ડ ટીના શ્રી સુનિલકુમાર, શ્રી એમ. શ્રીનિવાસ, સી.એસ.સી. ડિસ્ટ્રીકટ મેનેજરશ્રી વિપુલભાઇ સુરાણી, ધન્વંતરી રથનો સ્ટાફ સહિત શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)