રાજકોટ
News of Saturday, 23rd June 2018

૧પ૦ રીંગ રોડથી જામનગર હાઇ-વેને જોડતો ૧૮મી ટી.પી.રોડ ડેવલપ થશેઃ ઉદય કાનગડ

રેલનગર-પોપટપરાની ટાઉનશીપના રસ્તાઓના કામો હાથ ધરાશેઃ બજેટમાં સુચવાયેલ પ્રોજેકટો સમયસરઃ પૂર્ણ કરવા સીટી ઇજનેરો સાથે બેઠક યોજતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનઃ બાંધકામ સમીતી ચેરમેન મનીષ રાડીયા ત્થા ડ્રેનેજ સમીતી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા દ્વારા પણ વિવિધ સુચનો

રાજકોટ તા. ર૩ : મ્યુ.કોર્પોરેશનના સને ર૦૧૮-૧૯ ના બજેટમા સુચવાયેલ વિવિધ પ્રોજેકટો સમયસર પુર્ણ કરવા માટે સ્ટેન્ડીગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સીટી ઇજનેરો સાથે સમીક્ષા બેઠક યોજી અને વિવિધ સુચનો કર્યા હતા. જેમાં ૧પ૦ ફુટ રીંગ રોડથી જામનગર હાઇ-વેને જોડતા ૧૮ મીટરના ટી.પી.રોડને ડેવલપ કરવાની યોજના હાથ ઉપર લેવા નિર્ણય લેવાયો હતો.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ચાલુ સાલના બજેટમાં સુચવેલ પ્રોજેકટ સમયસર હાથ ધરાય અને ગત વર્ષોમાં હાથ ધરવામાં આવેલ પ્રોજેકટ સમયસર પૂરા થાય તે માટે મહાનગરપાલિકાની જુદી જુદી ખાસ સમિતિના નવનિયુકત ચેરમેનશ્રીઓ તથા તેમના વિભાગના શાખાધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ યોજવાનું શરૂ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત જુદી જુદી સમિતિના ચેરમેનશ્રીઓ તથા સબંધક અધિકારીઓ સાથે યોજાયેલ રીવ્યુ મીટીંગ અંગે માહિતી આપતા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્વ, પશ્ચિમ તથા મધ્ય ઝોનમાં વોટર વર્કસ, ડ્રેનેજ તથા બાંધકામ વિભાગ હસ્તક જુદા જુદા પ્રોજેકટ હાલ કાર્યાન્વતી છે. જેમ કે રૈયા તથા મવડી ચોકડીએ ફલાય ઓવરબ્રીજ, ૧પ૦ ફુટ રીંગ રોડથી જામનગર રોડને જોડતા ૧૮.૦૦ મીટરના ટી.પી. રોડને ડેવલપ કરવાનું કામ, રેસકોર્સ રીંગ રોડ ફરતે ગ્રીલનું કામ રેલનગર પોપટપરામાં ડી.આઇ. પાઇપલાઇન નાખવાનું કામ જેવા પ્રોજેકટ સમય મર્યાદામાં પણ થાય તે જોવા અધિકારીઓને સુચના અપાયેલ.

તથા ૧૯ના બજેટમાં સુચવવામાં આવેલ જુદા જુદા પ્રોજેકટ જેમ કે ગ્રીનલેન્ડ ચોકડીથી પારેવડી ચોક સુધીનો કુવાડવા રોડ ડેવલપ કરવાનું કામ, રેલનગર પોપટપરામાં આવેલ જુદી જુદી ટાઉનશીપના રસ્તા, વોર્ડ નં. ૭ તથા ૧૪માં ડી.આઇ. પાઇપલાઇનનું કામ, અંબિકા ટાઉનશીપના તથા વાવડી કોઠારીયા વિસ્તારના રસ્તાના કામ સહીતના બાંધકામ વિભાગ, વોટર વર્કસ વિભાગ તથા ડ્રેનેજ વિભાગ હસ્તકના જુદા જુદા કામો સમયસર શરૂ કરવા તથા શરૂ થયેલ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પૂરતું સુપરવિઝન કરવા સબંધક અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

આ મીટીંગમાં બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, સીટી એન્જીનીયર વી.સી. રાજયગુરૂ, મહેન્દ્ર કામલીયા, ભાવેશ જોશી, ચિરાંગ પંડયા, ઇ.ચા. સીટી એન્જી. કે.એસ. ગોહેલ વિ. ઉપસ્થિત રહ્યા હતાં. (૬.૧૯)

(4:13 pm IST)