રાજકોટ
News of Saturday, 23rd June 2018

હેરટ્રાન્સપ્લાન્ટઃ ટાલને કાયમી પરીણામ આપે

રૂ.૫૦હજારથી દોઢ લાખ સુધીના ખર્ચમાં હેરટ્રાન્સપ્લાન્ટ શકયઃ ડો.હર્ષીત રાણપરાઃ રાજકોટમાં આજે- કાલે આંતરરાષ્ટ્રીયકક્ષાની હેર ટ્રાન્સપ્લાન્ટ કોન્કલેવઃ દેશ- વિદેશ તબીબોનું આપશે વકતવ્યઃ પત્રકાર પરીષદ યોજાઈ

રાજકોટ,તા.૨૩: આંતરરાષ્ટ્રીય સ્તરની હેર ટ્રાન્સપ્લાન્ટ કોન્કલેવ ૨૦૧૮ કોન્ફરસનું રાજકોટમાં ૨૩ તથા ૨૪ (શનિ-રવિ) આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરસ ગત વર્ષથી શરૂ કરવામાં આવી હતી. ગત વર્ષે તેનું આયોજન ઉદયપુર (રાજસ્થાન)માં કરવામાં આવ્યું હતું. ડો.હર્ષિત રાણપરા, ડો.પ્રશાંત અગ્રવાલ, ડો.સિધ્ધાર્થ સોન્થલીયા તથા રાજકોટની હેર અને સ્કીન ટ્રાન્સપ્લાન્ટ તબીબી ટીમના પ્રયાસોથી આ વર્ષે આ કોન્ફરસનું આયોજન રાજકોટમાં થઈ રહ્યું હોવાનું ગઈસાંજે યોજાએલ પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.

ડો.હર્ષિત રાણપરા (પ્રમુખ- આયોજન સમિતિ)ના જણાવ્યા અનુસાર પિતાને જે ઉમરમાં ટાલ પડતી એના પછીની પેઢી એટલે કે એમના બાળકોને એક દસકા પહેલા ટાલ પડવાની શરૂઆત થઈ જાઈ છે. હેર-ટ્રાન્સપ્લાન્ટએ એક એવી પ્રક્રિયા છે. જે પુરૂષોમાં થતી ટાલને કાયમી પરિણામ આપે છે. દવાથી આવેલા વાળ દવા ચાલુ રહે ત્યાં સુધી જ રહે છે, જયારે હેર ટ્રાન્સપ્લાન્ટથી આવેલા વાળ કાયમી રહે છે અને પાછળથી પણ કોઈ દેખભાળની જરૂર રહેતી નથી.

અત્યારે દુનિયામાં પુરૂષોમાં થતી કોસ્મેટીક સર્જરીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સૌથી આગળ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં બે પ્રકાર છે. એફયુટી અને એફયુઈ છેલ્લા થોડા વર્ષોમાં એફયુટી કરતાં એફયુઈ સર્જરી ઘણી પ્રખ્યાત થઈ રહી છે કેમ કે તેમાં કયાંય કાપ કુપ થતી નથી અને એફયુટીની સરખામણીમાં લઘુતમ ડાઘ રહેવાની શકયતા રહે છે.અત્યારે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરમાં પણ ટાલ પડવાની શરૂઆત થઈ જતી જોવા મળે છે. જેના કારણોમાં આજની ભાગદોળ ભરી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, જંકફુડ, સ્મોકીંગ, તમાકુ અને આલ્કોહોલ જવાબદાર છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં શ્રેષ્ઠ પરિણામ લેવા માટે આદર્શ ઉમેદવારની પસંદગી બહુ જરૂરી છે. કોનામાં અને કયારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવુંએ યોગ્ય રીતે નકકી ન કરવામાં આવે તો જોઈતું પરિણામ ન પણ મળે.

આ કોન્ફરન્સમાં ઈજીપ્તથી ડો.સોલીમાન, કાઠમંડુથી ડો.ધર્મેન્દ્ર કરણ જેવી આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી તથા ભારતભરનાં ખ્યાતનામ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન જેવા કે ડો.કપીલ દુઆ, ડો.નરેન્દ્ર પટવર્ધન, ડો.વીરલ દેસાઈ, ડો.રચીતા ધુરાત, ડો.વસા, ડો.મહાદેવીયા વગેરે ભાગ લેશે અને પોતાના અનુભવ તથા જ્ઞાનનું આદાનપ્રદાન કરશે.

આ અંગે વધુ માહિતી માટે અદીવા સેન્ટર ફોર સ્કીન એન્ડ હેર, મેડીપ્લેકસ કોમપ્લેક્ષ, પ્રથમ માળ, ૪- મનહર પ્લોટ કોર્નર, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૨)

(4:12 pm IST)