રાજકોટ
News of Saturday, 23rd June 2018

નેતા બનવા માટે એકબીજાને બદનામ કરવાનું છોડી દેવુ જોઈએ

સમગ્ર લોહાણા સમાજના મહાનુભાવોને નમ્ર અનુરોધ

હાલમાં રાજકોટ મહાજનની ચૂંટણીમાં આપણા બની બેઠેલા નેતાઓ ચૂંટણી લડવા માટે નિકળી પડ્યા છે. જે લોકો ચૂંટાયા બાદ રાજકોટમાં વસતા ગરીબ લોહાણા સમાજ માટે આટલા વર્ષમાં શું શું કામો કરેલ છે તેનો હિસાબ આપે. જો આ વખતે આપણો લોહાણા સમાજ જાગશે નહિં તો અને આવા સ્વાર્થી નેતાઓની કોઈપણ જાતની લોભામણી લાલચમાં આવીને જો આ વખતે એમને એમ પ્રમુખના હોદ્દા પર ચૂંટી કાઢવામાં આવશે તો આવનારા દિવસોમાં સમાજ માટે સારા કામો કરે અને કોઈપણ પક્ષમાં જો સમાજ ઉપર અત્યાચાર થાય અથવા સમાજની ગણના કરવામાં ન આવે તો એવા લોકોને ચૂંટો કે જે પોતાના હોદ્દાનો ત્યાગ કરીને પણ સમાજના હિત માટે લડવા નીકળી પડે અને સમાજના ગરીબ જરૂરીયાતમંદ લોકોને ફાયદો કરાવે નહિં કે નુકશાન.

 

આજની તારીખે રાજકોટમાં લોહાણા મહાજનની જનસંખ્યા આશરે બે થી અઢી લાખ જેવી છે જેમાં આર્થિક રીતે નબળા કુટુંબીજનો જેની સંખ્યા બહુ જ વધારે આશરે ૬૫%થી વધુ છે જે આપણા સમાજ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે જે સમાજના બની બેઠેલા નેતાઓ માટે કલંકરૂપ છે. આમ છતા આ નેતાઓએ પોતાના સ્વાર્થ સિવાય સમાજ માટે કયારેય કંઈ વિચારેલ નથી. જો આવી જ રીતે આપણા સમાજના નેતાઓ જ ધ્યાન નહિં દે તો આવનારા દિવસોમાં રાજકીય તથા તમામ પક્ષે આપણી કોઈ જ ગણના રહેશે નહિં જેમ કે હાલમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં એક પણ લોહાણા સમાજના નેતાને નેતૃત્વ કે સારો હોદ્દો આપવામાં આવેલ નથી જેની સમાજના નેતાઓ અને સમાજના શુભચિંતકોએ ખાસ નોંધ લેવી તથા બીજુ કે આપણા નેતાઓ અને બિલ્ડર લોબીઓએ આપણા સમાજના આર્થિક નબળા જેઓ પાસે રહેવા માટે મકાન નથી જેઓ ભાડાના મકાનમાં રહે છે તેવા લોકોને એક સંસ્થા બનાવી સર્વે કરાવી ખરેખર જ ગરીબ લોકો છે તેવા માટે વોર્ડ દીઠ પાંચ - પાંચ વ્યકિતની ટીમની નિમણુંક કરી આવા ગરીબ લોકોની એક સંખ્યા લઈ તેમના માટે ઓછી રકમના હપ્તેથી રહેણાંક માટે મકાન - ફલેટ આપવામાં આવે તેવો સમાજના નેતાઓએ પ્રયાસ કરવો જોઈએ નહિં કે હાલની ચૂંટણી આવી છે તો ટાંટીયા ખેંચ કરી સમાજમાં નેતા બનવા માટે એકબીજાને બદનામ કરવાનું છોડી દેવું જોઈએ.

મારો સમાજના મોભીઓ અને નેતાઓને નિવેદન છે કે આગામી સમયમાં સમાજના હિત માટે અને સમાજના નબળા લોકોના સુરક્ષિત ભવિષ્ય માટે સમાજના અગ્રણીઓ દ્વારા ફંડ ઉભુ કરી જરૂર પડ્યે સરકારની મદદ લઈને કામગીરી કરવામાં આવે અને તેવી આપણી એકતારૂપ તાકાતનો પરિચય કરાવો એવી સમાજના તમામ લોકો પાસે મારી અપેક્ષા છે.

વિજયભાઈ કાબાણી

(મો.૯૮૯૮૮ ૪૮૩૨૧) રઘુવંશી અગ્રણી, બેડીનાકા, રાજકોટ

(4:09 pm IST)