રાજકોટ
News of Saturday, 23rd June 2018

સમાજની દરેક દીકરીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે તે અત્યંત જરૂરી છેઃ શાહીદા પરવીન

જમ્મુ-કાશ્મીરના તત્કાલીન જાંબાઝ મહિલા એ.સી.પી. શાહીદા પરવીને ગારડી બી. એડ કોલેજના છાત્રો સાથે વાર્તાલાપ કર્યો

રાજકોટ, તા., ૨૩: જમ્મુ-કાશ્મીરના તત્કાલીન એસીપી અને હાલ દિલ્હી ખાતે પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા જાંબાઝ મહીલા પોલીસ અધિકારી શાહીદા પરવીન રાજકોટની ટુંકી મુલાકાતે આવ્યા હતા. દેશની તમામ દીકરીઓ સુરક્ષીત બને આત્મરક્ષણ કરી શકે એ માટે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં મિશન ફાઇટ બેંકના બેનર હેઠળ વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવાની કલ્પના સેવનાર આ મહીલા અધિકારીએ રાજકોટની જાણીતી શૈક્ષણીક સંસ્થા શ્રીમતી આર.ડી.ગારડી કોલેજ એજયુકેશન એન્ડ લો હરીપર (પાળ) ખાતે મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ તરીકે છાપ ધરાવતા આ બાહોશ મહીલા અધિકારી શાહીદા પરવીન દિકરીઓને હીંમતથી આગળ આવવા અને વિવિધ ક્ષેત્રોમાં દીકરીઓને યોગદાન આપવા હાંકલ કરી હતી. પુરૂષ પ્રધાન દેશમાં આજે પરીવર્તન આવ્યું છે. સમય બદલાયો છે દરેક ક્ષેત્રોમાં આજે મહીલા અગ્રેસર રહે છે ત્યારે માતા-પિતાએ અને સમાજે દિકરીઓને મહત્વ આપવું પડશે. એમ કહી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

શ્રીમતી આર.ડી.ગારડી કોલેજનાં છાત્રો સાથે લગભગ ૯૦ મીનીટ સુધી ચાલેલા વાર્તાલાપમાં વિદ્યાર્થીઓ દ્વારા કાશ્મીર પ્રશ્ને વિવિધ પ્રશ્નો પુછાયા હતા જેના શાહીદા પરવીને વિશ્લેષણ કરી સંતોષકારક જવાબો આપ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે દીપ પ્રાગટય સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશ દોશીએ કર્યુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગારડી કોલેજના પ્રિન્સીપાલ ડો.ભાવનાબેન મહેતાએ કર્યુ હતું.

શાહીદા પરવીનની રાજકોટની મુલાકાત પ્રસંગે શહેરના સામાજીક અગ્રણી અને કોલેજના ટ્રસ્ટી મુકેશ દોશીએ કે.જે.કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં પણ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ગોઠવી તેમના અનુભવનો અને જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળે તે માટેનું આયોજન કર્યુ હતું. આ પ્રસંગે સામાજીક મહિલા અગ્રણી પ્રયાસ સંસ્થાના સ્થાપક પુજા પટેલ સાથે રહયા હતા.

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ ડો.ભાવનાબેન મહેતા, શૈલેષ દવે, રૂચીતાબેન રાઠોડ, સત્યજીતસિંહ જાડેજા, ડીમ્પલ કાનાણી, સંજય વસાવા, ગીતાબેન વોરા, માનસીબેન ચૌહાણ, સંદીપ ચૌહાણ, બીપીન ગૌસ્વામી તથા જીવણભાઇ સતાપરાએ સંભાળી હતી.(૪.૨૫)

(3:57 pm IST)