રાજકોટ
News of Saturday, 23rd June 2018

લોહાણા મહાજનની ચૂંટણી નિયત તારીખે થવા સામે પશ્નાર્થ

રમેશભાઈ ધામેચા દ્વારા ચૂંટણી કમિશ્નર સમક્ષ કેટલાક વ્યવહારિક મુદ્દાઓ સંદર્ભે સ્પષ્ટતા કરવા માગણી : માંગણીઓ કરતી અરજી પરત ખેંચી લેવા માટે પણ દબાણ?

રાજકોટ, તા. ૨૩ : લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી ૮ જુલાઈ, ૨૦૧૮ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે ત્યારે ચૂંટણીમાં એક લડાયક ઉમેદવાર તરીકે ઝૂંકાવનાર રમેશભાઈ ધામેચાએ ગઈકાલે સાંજે અરજી દ્વારા ચૂંટણી કમિશ્નર સમક્ષ કેટલાક વ્યવહારિક મુદ્દાઓ સંદર્ભે સ્પષ્ટતા માગી છે. જેને કારણે મહાજનની ચૂંટણી નિયત તારીખે પણ થઈ શકે તેમ છે. અરજીની નકલ ચેરીટી કમિશ્નર રાજકોટને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અરજીની અંદર માંગણી કરવામાં આવેલ બાબતોમાં (૧) મહાજનના બંધારણની કલમ ૧૧(૩) ૧૨૫ સભાસદોની ચૂંટણી કરવી,  (૨) બંધારણ પ્રમાણે મતદાર તરીકે દિકરીની લઘુતમ ઉંમર ૧૮ અને દિકરાની લઘુતમ ઉંમર ૨૧ વર્ષ છે તો તે બાબતે માર્ગદર્શન આપવું, (૩) આશરે ૨૦ વર્ષ પહેલા લોહાણા મહાજનની ચૂંટણી થઈ હોય, આટલા વર્ષોમાં જ્ઞાતિની વસ્તીમાં ઘણો વધારો થયો છે. અલગ અલગ વિસ્તારમાં સભાસદો રહેતા હોય ત્યારે  સૌપ્રથમ તો નિયમ ૮ મુજબ મતદારોની નોંધણી કરી તેની યાદી બહાર પાડવી અને જો કોઈને વાંધા સુચનો હોય તો સત્તાવાર રીતે મંગાવીને પ્રક્રિયા પૂર્ણ કરવી, ત્યારબાદ અંતિમ યાદી બહાર પાડવી, (૪) રાજકોટને ભૌગોલિક વિસ્તાર મોટો હોય અને અલગ - અલગ સ્થાને લોહાણા સમાજના લોકો વસતા હોય, એક જ મતદાન મથક પુરતુ ન કહેવાય માટે જુદા - જુદા વિસ્તાર (ઝોનવાઈઝ) ચારથી પાંચ મતદાન મથકો ઉભા કરવા કે જેથી સરળતાથી અને ઝડપથી મતદાન થઈ શકે. મત આપી દીધેલ વ્યકિતની ઓળખ માટે અવિલોપ્ય શાહીની વ્યવસ્થા કરવી. (૫) ચૂંટણી અન્વયે અલગ - અલગ નામોની યાદી થવાને બદલે કોઈ પ્રતિનિધિ દ્વારા તેના સહિતના ૧૨૫ નામોની યાદી જ ચૂંટણી થવા સ્વરૂપે રજૂ થાય જેથી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય. ઉપરાંત બંધારણમાં આપેલ શરતોનું પણ પાલન થઈ શકે વગેરે સંદર્ભોનો સમાવેશ  થાય છે.

એવી પણ ચર્ચા સંભળાઈ રહી છે કે રમેશભાઈ ધામેચા દ્વારા ગઈકાલે સાંજે કરાયેલ અરજી સંદર્ભે આ અરજી પરત ખેંચી લેવા માટે પણ અમુક લોકો દ્વારા દબાણ થઈ રહ્યુ છે. અરજી પરત ખેંચી લેવાના ચર્ચાતા કારણ મુજબ અમુક ચોક્કસ લોકોને સતા સ્થાનેથી દૂર રાખવાની ગણતરી પણ હોઈ શકે છે. જો કે અરજી પરત ખેંચવાની રમેશભાઈ ધામેચાએ ના પાડી હોવાનું પણ જાણવા મળે છે.(૩૭.૭)

(2:01 pm IST)