રાજકોટ
News of Saturday, 23rd June 2018

ક્રાઇમ બ્રાંચનો સપાટોઃ ૪ કલાકમાં ૫૪ લાખનો દારૂ જપ્ત

કુવાડવાના તરઘડીયા-ખેરડી પાસે દરોડાઃ ૫૪,૬૬,૦૦૦નો દારૂ અને ૨૦ લાખના બે ટ્રક મળી કુલ પોણા કરોડનો મુદ્દામાલ કબ્જેઃ એક ટ્રકનું પાસીંગ પંજાબનું, બીજો ટ્રક રાજસ્થાનનોઃ હરિયાણાથી ભરાયેલો 'માલ' જુનાગઢ પહોંચાડવાનો હતો : સાંજે ૮ વાગ્યે હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. રામભાઇ વાંક અને હરદેવસિંહની બાતમી પરથી પીએસઆઇ અતુલ સોનારા અને ટીમે તરઘડીયા પાસેથી ૧૫ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સને પકડી લીધા : રાત્રે ૧૨:૧૫એ એએસઆઇ વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડજા, હરેશગીરી અને યુવરાજસિંહની બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને ટીમે ખેરડી પાસે પ્રભુ પગલાની સીમમાંથી રૂ. ૩૯,૬૪,૮૦૦નો દારૂ ભરેલો ટ્રક પકડ્યો

ઉપરની તસ્વીરમાં તરઘડીયાના પાટીયેથી ૧૫ લાખના દારૂ સાથે બે સરદારજીને પકડાયા તે, પી.આઇ. એચ. એમ. ગઢવી અને પીએસઆઇ અતુલ સોનારાની ટીમ તથા નીચેની તસ્વીરમાં ખેરડીની સીમમાંથી ૩૯,૬૪,૮૦૦નો દારૂ ભરેલો ટ્રક પકડાયો તે તથા પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: શહેર ક્રાઇમ બ્રાંચે બે જુદા-જુદા દરોડામાં ચાર કલાકના ગાળામાં રૂ. ૫૪,૬૬,૦૦૦નો દારૂ જપ્ત કર્યો છે. ૧૦-૧૦ લાખના બે ટ્રક મળી કુલ રૂ. ૭૪,૬૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એક દરોડામાં સાંજે આઠ વાગ્યે તરઘડીયાના પાટીયા પાસેથી બે સરદારજીને રૂ. ૧૫૦૧૨૦૦નો દારૂ ભરેલા પંજાબ પાસીંગના ટ્રક સાથે પકડી લેવાયા હતાં. જ્યારે રાત્રે સવા બારેક વાગ્યે ખેરડીની સીમમાંથી બીજી ટીમે રૂ. ૩૯,૬૪,૮૦૦નો દારૂ ભરેલો રાજસ્થાન પાસીંગનો ટ્રક ઝડપી લીધો હતો. પંજાબ પાસીંગનો ટ્રક ઝડપાયો તે દારૂ જુનાગઢ સુધી પહોંચાડવાનો હતો અને આ માલ હરિયાણાથી ભરવામાં આવ્યો હતો.

પ્રથમ દરોડો

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના મુજબ પ્રોહીબીશન ડ્રાઇવર રખાઇ હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. રામભાઇ વાંક અને હરદેવસિંહ રાણાને બાતમી મળતાં કુવાડવા નજીક તરઘડીયાના પાટીયા પાસે પીબી-૧૨-એમ-૯૪૯૦ નંબરનો ટ્રક અટકાવી તલાશી લેતાં ઉપરના ભાગે ઇંડા રાખવાના પુઠાનો જથ્થો જોવા મળ્યો હતો. અંદર તપાસ કરતાં રૂ. ૧૫,૦૧,૨૦૦નો ૫૦૦૪ બોટલ દારૂ મળતાં તે તથા બે મોબાઇલ ફોન અને ૧૦ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૨૫,૦૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક પુરનસિંઘ જોગાસિંઘ સરદારજી (ઉ.૩૦) તથા રણજીતસિંઘ દર્શનસિંઘ સરદારજી (ઉ.૨૯) (રહે. બંને છોડીયાગાન તા. અજનાલા જી. અમૃતસર પંજાબ)ની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં બંનેએ પોતાને હરિયાણાથી ટ્રક લઇ જુનાગઢ પહોંચાડવા જણાવાયું હતું. અંદર ઇડાના પુઠાના બોકસ હોવાનું કહેવાયું હતું. જુનાગઢના કયા બુટલેગરે આ માલ મંગાવ્યો? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

બીજો દરોડો

બીજા દરોડામાં એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર, હરેશભાઇ ગોસાઇ, કોન્સ. યુવરાજસિંહ ઝાલા, શોૈકતખાન પઠાણ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ, હરેશગીરી અને યુવરાજસિંહને બાતમી મળતાં રાત્રે સવા બારેક વાગ્યે કુવાડવાના ખેરડીના છેવાડેં પ્રભુ પગલા તરીકે ઓળખાતી સીમમાં આરીફ ચાવડાની વાડીના રસ્તે દરોડો પાડતાં આરજે૦૯જીબી-૨૫૯૯ નંબરનો ટ્રક રેઢો મળી આવ્યો હતો. પોલીસ પહોંચતા ચાલક સહિતના ભાગી ગયા હતાં. કુવાડવાના પીએસઆઇ એમ. કે. ઝાલા અને રાજેશભાઇ પણ જોડાયા હતાં.

ઠાઠામાં તાલપત્રી હટાવીને તપાસ કરવામાં આવતાં ભુસુ ભરેલા કોથળા દેખાયા હતાં. તે દરૂ હટાવાતાં અંદરથી જુદી-જુદી બ્રાંડનો દારૂનો જથ્થો મળ્યો હતો. ગણતરી કરતાં કુલ રૂ. ૩૯,૬૪,૮૦૦નો ૧૦૪૨૮ બોટલ દારૂ મળતાં તે તથા ૧૦ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૪૯,૬૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ દારૂ કોણે મંગાવ્યો? ટ્રક માલિક, ચાલક કોણ? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

આમ ક્રાઇમ બ્રાંચે રાત્રે ચાર કલાકમાં જ અડધા કરોડનો દારૂ અને બે ટ્રક મળી કુલ પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરતાં બંને ટીમોને ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

(11:48 am IST)