રાજકોટ
News of Monday, 23rd May 2022

ભીમાણીજી, ઉતાવળે ચોર અને લંપટને યુનિવર્સિટી ન સોંપાય જાય : ડો.રાજેશ કાલરીયા

કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી ઉપર પ્રિન્‍સીપાલ રાજેશ કાલરીયા ઓળઘોળ : પરીક્ષામાં જમ્‍બલીંગ પ્રથા દૂર કરી, રમતોત્‍સવ યુનિવર્સિટીમાં યોજવા સહિતના અનેક પગલાઓને બિરદાવ્‍યો

રાજકોટ, તા. ૨૩ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આજે ૫૬મો સ્‍થાપના દિન છે ત્‍યારે ભાજપના વગદાર સીન્‍ડીકેટ સભ્‍ય અને કણસાગરા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. રાજેશ કાલરીયાએ કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીને પત્ર પાઠવી ૩ મહિનામાં કરેલા કાર્યોને બિરદાવી અને રજીસ્‍ટાર અને પરીક્ષા નિયામકની જગ્‍યા ઉપર કોઈ ચોર કે લંપટને ન બેસાડવા પ્રાર્થના કરતો પત્ર પાઠવી અનેકવિધ ચર્ચાને વેગ આપ્‍યો છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સીન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપ અગ્રણી રાજેશ કાલરીયાએ પત્ર પાઠવીને જણાવેલ કે સૌરાષ્‍ટ્ર વિશ્વવિદ્યાલયના ૫૬માં વર્ષના મંગલ પ્રવેશ વેળાના સૂત્રધાર તરીકે આપને ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ. બહુ જ ટુંકા કાર્યકાળમાં આપે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો રમત મહોત્‍સવ જ્‍યાં... ત્‍યાં... દૂર-સુદૂર કોલેજને બદલે યુનિવર્સિટીના પ્રાંગણમાં જ યોજાય તેવો નિર્ણય કર્યો છે તે ખુબજ આવકાર્ય છે.    પરીક્ષામાં જમ્‍બ્‍લીંગ પ્રથા દૂર કરીને આપી જે હિંમત ભર્યો નિર્ણય કર્યો છે તે ભવિષ્‍યમાં તમામ કોલેજો ચોરી કરવાના કેન્‍દ્રો છે તેવી લોકમાનસમાં દ્રઢ થતી જતી છાપને વિસ્‍મળત કરશે. ગણીગાંઠી કોલેજોમાં આ દૂષણ છે,તે ખુલ્લી પડશે અને મજબુત ઇચ્‍છાશક્‍તિ થી તે પણ બંધ થશે.આ માટે પ્રિન્‍સિપાલ એસોસિએશને આપનો આભાર માન્‍યો છે તેનું અહીં પુનરાવર્તન કરું છું. જે ઝડપે આપશ્રી એ  teaching non-teaching ની ખાલી જગ્‍યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે તે કંઈક નક્કર, ઘણા સમય પહેલાં થવું જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે તેનો અહેસાસ કરાવે છે. આજ સંદર્ભે શિક્ષણ જગતમાં જે ચર્ચાઓ સાંભળવા મળે છે, કયાંક ભાગ લેવાનું પણ બને છે,તેનો સાર એ  છે કે જે જગ્‍યાઓ ભરાય તે પારદર્શક રીતે ગુણવત્તાના એકમાત્ર માપદંડને આધારે જ ભરાય તો યુનિવર્સિટીનું વિદ્યાકીય તેજ વધારવામાં મહત્‍વનું પુરવાર થશે.
પ્રિન્‍સીપાલ રાજેશ કાલરીયાએ પત્રમાં વધુમાં જણાવેલ કે વર્ષોથી અટકીને ઊભેલી કે અટવાયેલ રજીસ્‍ટાર અને પરીક્ષા નિયામક ની જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા પણ આ દિવસોમાં થવાની છે, એટલે સ્‍વાભાવિક રીતે જ અધિકાર મંડળના સભ્‍ય તરીકે નૈતિક જવાબદારીના અહેસાસ સાથે મનોમન પ્રાર્થના કરું છું કે કુલ સચિવ અને પરીક્ષા નિયામક જેવી અતિ મહત્‍વની જગ્‍યા પર ચારિત્ર્યવાન અને જેમના પર ભ્રષ્ટાચાર બાબતે અંગુલિનિર્દેશ ન થયો હોય તેવાઓની જ નિયુક્‍તિ થાય. દરેક પ્રાથમિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભૂતકાળમાં જ્‍યાં જ્‍યાં કામ કર્યું હોય ત્‍યાંથી તેમના વિશે અહેવાલ મેળવાય.
 પ્રિન્‍સીપાલ કાલરીયાએ સ્‍પટ કહેલ કે ઉતાવળે કયાંક ચોરને જ તિજોરી અને લંપટ ને જ પૂજારી બનાવી યુનિવર્સિટીના મંદિરના રખોપા ન સોંપાય જાય.
આજના માંગલિક દિવસે મારી ઉપરોક્‍ત પ્રાર્થનાનો પ્રતિધ્‍વનિ આપના સુધી પહોંચે અને આપને યુનિવર્સિટીનું શ્રેય કરવા માટે સૂઝ-બૂઝઅને દ્રઢ સંકલ્‍પ સાંપડો એ જ અભ્‍યર્થના. પુનઃ આપને શુભકામના પાઠવુ છું.
પ્રિન્‍સીપાલ અને સીન્‍ડીકેટ સભ્‍ય ડો.રાજેશ કાલરીયાએ કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીને શુભેચ્‍છા અને કરેલા કાર્યને બિરદાવીને યુનિવર્સિટી ભ્રષ્‍ટ અને લંપટ અધિકારીઓ સામે ખુલ્લેઆમ મેદાન પડતા ભારે ચર્ચા જાગી છે

 

(4:06 pm IST)