રાજકોટ
News of Monday, 23rd May 2022

માધાપર ચોકડીએથી ૯૪ હજારનો દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્‍થાની શખ્‍સને ક્રાઇમ બ્રાંચે પકડયો

જથ્‍થો મોકલનારા જોધપુરના મુકેશ પરિહાર અને દારૂ મંગાવનારની શોધખોળઃ ૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી દારૂ ભરેલો ટ્રક નીકળવાનો હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાંચે વોચ રાખી રૂા. ૯૪૮૦૦નો દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્‍થાન જોધપુરના ઓસીયા તાબેના રામપુરા ભાટીયાન ગામના શેરરામ ઓમપ્રકાશ કુંભાર (ઉ.૩૨)ને પકડી લઇ દારૂ, ટ્રક, આર.સી. બૂક, મોબાઇલ ફોન, રોકડ મળી રૂા. ૯,૦૦,૫૮૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આ દારૂ રાજસ્‍થાન જોધપુરના બીંજવાડીયા ગામના મુકેશ પરિહારે મોકલ્‍યાનું પકડાયેલા ટ્રક ચાલક શેરરામે જણાવ્‍યું હતું. દારૂ કોણે મંગાવ્‍યો? તે અંગે પોતે જાણતો નહિ હોવાનું ટ્રકચાલકે કહ્યું હતું.  પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

શહેરમાં દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ તે અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે નગીનભાઇ ડાંગર, કિરતસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમીને આધારે ટ્રક પકડી લેવાયો હતો. મોકલનાર અને મંગાવનારાની તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:59 pm IST)