રાજકોટ
News of Saturday, 23rd May 2020

વધુ બેના મોત માટે લોકડાઉન નિમિત્ત બન્યુ : વૃધ્ધ-યુવાનનો આપઘાત

રાજકોટના લક્ષ્મીવાડીના કારડીયા રજપૂત વૃધ્ધ વર્ષિય બેચરભાઇ સોલંકી 'ઘરમાં ગમતું નથી, હવે કયારે બધુ ખુલશે' એવું રટણ કરતા'તાઃ રાતે ગળાફાંસો ખાઇ લીધોઃ ન્યુ સાગર સોસાયટીના દરજી યુવાન નિલેષ સાંચલાએ લોકડાઉન ખુલ્યા પછી પણ દરજી કામ ચાલુ ન થતાં ઝેર પી મોત વ્હાલુ કરી લીધું

રાજકોટ તા. ૨૩: કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું હોઇ અનેક લોકો હિમત હારી કંટાળીને ન ભરવાનું પગલુ ભરી રહ્યા છે. ગુજરાતમાં લોકડાઉન પુરૂ કરી દેવાયું છે છતાં શરતોને આધીન હોવાથી લોકોને પુરતી છૂટછાટ મળી નથી. લોકડાઉન ખુલવા છતાં ધંધા જામતાં ન હોઇ તેના કારણે પણ લોકો કંટાળી રહ્યા છે. શહેરમાં વબુ બે બનાવમાં લક્ષ્મીવાડીના કારડીયા રજપૂત વૃધ્ધ તથા ન્યુ સાગર સોસાયટીના દરજી યુવાનના મોત માટે લોકડાઉન નિમિત બન્યું છે. વૃધ્ધ સતત ઘરમાં રહેવાથી કંટાળ્યા હતાં અને યુવાનને લોકડાઉન ખુલવા છતાં દરજી કામની મજૂરી મળતી ન હોઇ આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જાણવા મળ્યા મુજબ લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૧૭ બ્લોક નં. ૩માં રહેતાં બેચરભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.વ.૭૨) નામના કારડીયા રજપૂત વૃધ્ધે ઘરમાં છતના હુકમાં ટીવીનો કેબલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર બેચરભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ બેચરભાઇને પગના ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું. લોકડાઉનને કારણે સતત તેમને ઘરમાં જ રહેવું પડ્યું હોઇ કંટાળી ગયા હતાં. ચાર-પાંચ દિવસથી તેઓ સતત ઘરના લોકોને પુછતા હતાં કે હવે લોકડાઉન કયારે ખુલશે? તેમજ હવે હું કટાળી ગયો છું...તેવું રટણ કરતાં હતાં. આ દરમિયાન રાત્રીના તેમણે અંતિમ પગલુ ભરી લીધું હતું. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટીમાં રહેતાં નિલેષભાઇ હસમુખભાઇ સાંચલા (ઉ.વ.૩૫) નામના દરજી યુવાને મોડી રાતે ઘઉંમા રાખવાની ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિલેષભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તે માતા જસવંતિબેન, પિતા હસમુખભાઇ પ્રભુદાસ સાંચલા તથા ભાઇ સહિતના પરિવારની સાથે રહેતાં હતાં અને ધર્મેન્દ્ર રોડ પર ડી.એન. ટેઇલર્સ નામે રેડીમેઇડ કપડાના રિપેરીંગનું છુટક કામ ભાડાની દૂકાનમાં કરતાં હતાં. લોકડાઉનને કારણે આર્થિક ભીંસ ઉભી થઇ હતી અને ખુલ્યા પછી પણ મજૂરી કામ જામતું ન હોઇ કંટાળી જતાં તેણે ઝેરી દવા પી લીધી હતી. તેમ તેમના સ્વજનોએ કહ્યું હતું.

બંને બનાવમાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:04 pm IST)