રાજકોટ
News of Wednesday, 23rd May 2018

રાજકોટ જિલ્લામાં ૧ મહિનો ઓરી અને રૂબેલા રોગ વિરોધી રસીકરણ અભિયાન

૧૬ જુલાઇથી પ્રારંભઃ માઇક્રો પ્લાનીંગ કરવા ડીડીઓ અનિલ રાણાવાસીયાની સુચના

રાજકોટ તા. ર૩ :.. જિલ્લામાં આગામી તા. ૧૬ જૂલાઇથી એક મહિનો ઓરી રોગ અને રૂબેલા રોગના રસીકરણ માટે અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ૯ મહિનાથી ૧પ વર્ષની વચ્ચે વય ધરાવતા બાળકોને ઓરી-રૂબેલા (એમઆર) રસીકરણ કરાશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાના અધ્યક્ષસ્થાને મળેલ આરોગ્ય વિભાગની ડીસ્ટ્રીકટ ટાસ્ક કમીટીની બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અભિયાન માટે આરોગ્ય વિભાગ, સંકલિત બાળ વિકાસ અને શિક્ષણ સહિતના વિભાગોને તેમના હસ્તકની કામગીરી કરવા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ છે.

આ અભિયાનને સફળ બનાવવા વ્યાપક પ્રચાર-પ્રસાર માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, લાયન્સ કલબ, વિવિધ એસોસીએશન, મંડળો વિગેરેનો સહયોગ મેળવવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવસીયાએ વિવિધ ખાતાઓને તેમની કામગીરીનો માઇક્રોપ્લાનીંગ કરવા જણાવ્યું હતું.

આ રસીકરણ અભિયાનમાં સરકારી અને ખાનગી  શાળાઓને તથા આંગણવાડી કેન્દ્રોને વ્યાપક  પ્રમાણમાં આવરી લેવામાં આવશે. વાડી વિસ્તાર અને ઔદ્યોગીક એકમો સહિતના વિસ્તારના બાળકોને રસીકરણ કરવા માટે મોબાઇલ વાનની વ્યવસ્થા કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મીઝલ્સ (ઓરી) રોગ એક જીવલેણ બીમારી છે અને બાળકોમાં થતા મૃત્યુના મોટા કારણો પૈકીનું એક છે. ઓરી ખૂબ જ ચેપી રોગ છે અને આ ચેપગ્રસ્ત વ્યકિત દ્વારા ઉધરસ અને છીંક ખાવાથી ફેલાય છે.  ઓરી બાળકને ન્યુમોનીયા, ઝાડા અને મગજના સંક્રમણ  જેવી જીવન માટે ઘાતક જટિલતાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકે છે.

રૂબેલા રોગ જો સ્ત્રો ગર્ભાવસ્થાના આરંભિક તબક્કમાં રૂબેલાથી ચેપગ્રસ્ત બની હોય તો સી.આર.એસ. (જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ) વિકસિત થઇ શકે છે. જે ગર્ભ અને નવજાત શિશુઓ માટે ગંભીર અને ઘાતક સાબિત થઇ શકે છે. આરંભિક ગર્ભાવસ્થા દરમિયાન રૂબેલાથી ચેપગ્રસ્ત બનેલી માતાથી જન્મતા બાળકમાં દિર્ધકાલીન જન્મજાત વિકાસથી પિડાવવાની શકયતા વધી જાય છે. જેનાથી આંખ(ગ્લુકોમા,મોતિયાબિંદુ) કાન (બહેરાશ), માંથું (માઇક્રોસિફેલી મંદબુધ્ધિ) અસરગ્રસ્ત બને છે. અને હ્યદય સંબંધી બિમારીઓનું જોખમ વધી જાય છે.

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સર્વેલ્સ ઓીફસરે પ્રેઝન્ટેશન દ્વારા ઓરી રોગ તથા રૂબેલા રોગની જાણકારી તથા અભિયાનના આયોજનની જાણકારી આપી હતી.

 સમગ્ર બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરીએ કર્યુ હતું અને અભિયાનના આયોજનની રૂપરેખા આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી બી.એમ. પ્રજાપતિ, આરોગ્ય વિભાગના ડોકટરો તથા સ્ટાફ, શિક્ષણ વિભાગના અધિકારીઓ શૈક્ષણિક સંસ્થાઓના તથા સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

 અત્રે જણાવવું એ  જરૂરી બને છે કે ગુજરાત રાજયમાં તા. ૧૬ જૂલાઇથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરાશે. આ અગાઉ દેશના અન્ય ૧પ રાજયોમાં અભિયાન પુર્ણ થયેલ છે.

(4:30 pm IST)