રાજકોટ
News of Wednesday, 23rd May 2018

પાણીનો પોકાર

વોર્ડ નં. ૧૮નાં સીતારામનગરમાં કાળા ઉનાળે સેંકડો લોકો તરસ્યા : મહિલાનું ટોળુ કોર્પોરેશન ધસી ગ્યુ

પાણીની લાઇન છે કનેકશન નથી આપતા : સ્ટેન્ડ પોસ્ટમાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી પાણી નથી અપાયું : મ્યુ. કમિશ્નરને રજુઆત કરવા ગૃહીણીઓ દોડી

પાણી આપો...  : શહેરમાં વોર્ડ નં. ૧૮ની અનેક સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીનાં ધાંધિયા સર્જાયા છે. આથી આજે ૧૦૦ થી વધુ ગૃહીણીઓનું ટોળુ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી ગયુ હતુ અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ મહેશ રાજપૂત ત્થા કોપોરેટરો ઘનુભા જાડેજા, જેન્તીભાઇ બુટાણીની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજુઆતો કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૩ :  શહેરનાં છેવાડાના વિસ્તાર અને મ્યુ. કોર્પોરેશનની હદમાં નવા ભેળવાયેલ કોઠારીયા વિસ્તાર એટલે કે વોર્ડ નં. ૧૮માં લોકોને આ કાળા ઉનાળામાં પાણી પુરૂ પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ જતા આજે આ વોર્ડની ત્રણ થી ચાર સોસાયટીની મહિલાઓનું ટોળુ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ધસી ગયું હતુ અને વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટર ત્થા નેતાઓની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને પાણી આપવા ઉગ્ર રજુઆતો કરી હતી.

આ અંગેની વિગતો મુજબ આજે બપોરે ૧ર-૩૦ વાગ્યે બે થી ત્રણ ટેમ્પો ભરીને મ્યુ. કોર્પોરેશનને દોડી ગયેલ. વોર્ડ નં. ૧૮ ની સીતારામ સોસાયટી સહિતનાં વિસ્તારની ૧૦૦ થી વધુ ગૃહીણીઓએ કોર્પોરેશનની કચેરીનાં પટ્ટાંગણમાં ''પાણી આપો'' નાં પોકારો કર્યા હતા.

આ ગૃહીણીઓને રજુઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં માત્ર પાણીની પાઇપ લાઇન નાંખી દેવાઇ છે નવા કનેકશન નથી અપાયા.

ગૃહીણીઓએ ફરીયાદનાં સુરમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સ્ટેન્ડ પોસ્ટમાંથી પાણી મેળવીને સેંકડો મકાનધારકો જીવન ગુજારે છે.

સ્ટેન્ડ પોસ્ટમાં પણ ગમે તે સમયે એકાંતરા પાણી અપાય છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્ટેન્ડ પોસ્ટમાં પણ પાણી નહીં આવતા આ કાળા ઉનાળામાં સેંકડો લોકો પાણી વિહોણા છે.

આમ પાણી બાબતે ગુલબાંગો ફેંકતા શાસકો વોર્ડ નં. ૧૮ પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયા હોવાની પોલ ગૃહીણીઓનાં ટોળાએ છતી કરી હતી અને પાણી આપવા મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજુઆત કરી હતી.

(3:15 pm IST)