રાજકોટ
News of Wednesday, 23rd May 2018

રેસકોર્ષ રીંગ રોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં બઘડાટીઃ કોન્ટ્રાકટર સહિતનો મહિલા પર નિર્લજ્જ હુમલો

બે દિવસ પહેલા જ રહેવાસીઓએ ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતીઃ મહિલાના પતિ કોૈશલ ઉદાણી સામે કોન્ટ્રાકટર હરિભાઇ દાફડાની એટ્રોસીટી હેઠળ ફરિયાદઃ ભાવીનીબેન કપડા બદલી રહ્યા'તા ત્યારે લેબર કોન્ટ્રાકટર હરિ દાફડા, તેનો મજૂર અને ચોથા માળે રહેતાં હિતેષ સંઘવીએ બેડરૂમમાં ઘુસી વાળ પકડી પછાડી દીધાઃ તેના પતિ આવી જતાં ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપીઃ કોન્ટ્રાકટર હરિભાઇ દાફડાની વળતી ફરિયાદઃ ભાવીનીબેનના પતિ કોૈશલ ઉદાણીએ પચ્ચીસ હજાર માંગી ચોરીના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો

રાજકોટ તા. ૨૩: રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા ચુમાલીશ વર્ષ જુના વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં મહાનગર પાલિકાની મંજુરી વગર જ વધારાના માળ ખડકી દેવાનું કામ ચાલુ કરાયું હોવા સંબંધે બે દિવસ પહેલા જ આ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી. ત્યાં ગત સાંજે આ એપાર્ટમેન્ટના રહેવાસી મહિલા એકલા હતાં અને કપડા બદલી રહ્યા હતાં ત્યારે લેબર કોન્ટ્રાકટર, મજુર અને બિલ્ડરે ઘરમાં ઘુસી નિર્લજ્જ હુમલો કરી મારકુટ કરી વાળ પકડી પછાડી દીધાની ફરિયાદથી ચકચાર જાગી છે. સામે કોન્ટ્રાકટરે પણ આ મહિલાના પતિએ પોતાની પાસેથી પૈસા માંગી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે વિઠ્ઠલ એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-૩માં રહેતાં ભાવીનીબેન કોૈશલભાઇ ઉદાણી (ઉ.૩૮)ની ફરિયાદ પરથી આ એપાર્ટમેન્ટમાં લેબર કામનો કોન્ટ્રાકટ રાખનાર હરિભાઇ, તેના મજૂર અને હિતેષ સંઘવી સામે આઇપીસી ૩૫૪-સી, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. ભાવીનીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાંજે સવા ચારેક વાગ્યે મારા રૂમમાં એકલી હતી અને કામ સબબ બહાર જવાનું હોઇ કપડા બદલી રહી હતી ત્યારે બેડરૂમના બાલ્કનીના દરવાજેથી એપાર્ટમેન્ટમાં લેબર કામ કરતાં હરિભાઇ અને તેનો મજૂર આવ્યા હતાં અને મારી સાથે બોલાચાલી કરવા માંડ્યા હતાં. મેં તેને ઉભા રહો મારા ઘરવાળાને બોલાવું છું કહી મારા પતિને ફોન કર્યો હતો. ત્યાં ચોથા માળે રહેતાં હિતેષભાઇ સંઘવી પણ આવીગયા હતાં અને તે પણ ઝઘડો કરવા માંડ્યા હતાં.

દેકારો થતાં પડોશીઓ કિરણબેન, ભાવનાબેન, ઇલાબેન આવી ગયા હતાં. આ વખતે હિતેષ સંઘવીએ મારા વાળ પકડી નીચે પછાડી દીધી હતી. બીજા બહેનોએ મને છોડાવી હતી. ત્યારે હિતેષ સંધવીએ ધમકી આપી હતી કે તું અને તારો વર કોૈશલ અહિયા કેમ રહો છો એ જોવ છું, તમારા ટાંટીયા ભંગાવી નાંખીશ. આ વખતે મારા પતિ પણ આવી ગયા હતાં. તેને કોન્ટ્રાકટર હરિભાઇએ ગાળો દીધી હતી. બાદમાં અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતાં.

વળતી ફરિયાદ

સામા પક્ષે નાના મવા આંબેડકરનગર-૧/૫ના ખુણે રહેતાં હરિભાઇ જીવાભાઇ દાફડા (ઉ.૪૪)એ પણ એ-ડિવીઝનમાં ભાવીનીબેનના પતિ કોૈશલભાઇ ઉદાણી સામે ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી ૫૦૬, ૪૦૪, ૪૨૭, એટ્રોસીટી એકટ ૩ (૧) આર તથા ૩ (૧) એસ મુજબ ગુનો નોંધ્યો છે.

હરિભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ત્રણ માસ પહેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટનું લેબર કામ પ્રણવભાઇ અમૃતભાઇ ખાનપરા પાસેથી રાખ્યું છે. હાલમાં પણ કામ ચાલુ છે. સાંજે સાડા ચાર-પોણા પાંચેક વાગ્યે ચોથા માળે રહેતાં હિતેષભાઇના ઘરે હું હતો ત્યારે મારા મોબાઇલમાં ફોન આવેલ. જે રિસીવ કરતાં ફોન કરનારે હું કોૈશલ ઉદાણી બોલુ છું, તારું કામ બંધ કરી દેજે અને આઠ વાગ્યા સુધીમાં મેડો કાઢી લેજો, લબાચો ભરી લેજો કહી ગાળો દીધી હતી. આથી હું અને હિતેષભાઇ ચોથા માળેથી નીચે આવતાં હતાં ત્યારે ત્રીજા માળે લિફટ ઉભી રહી જતાં કોૈશલભાઇ ત્યાં ઉભા હોઇ હું અને હિતેષભાઇ બહાર નીકળ્યા હતાં. આથી કોૈશલભાઇએ મને કહેલ કે તમારા કામને કારણે મારી બાલ્કની ખરાબ થઇ છે. સાફ કરી નાંખો અને તેના દંડના ૨૫ હજાર રૂપિયા આપો. બાદમાં તેણે વધુ ગાળો દઇ પૈસા નહિ આપ તો ચોરીનો આરોપ મુકીશ તેમ જણાવતાં મેં તેને હમણા પૈસા આપુ છું તેમ કહેલ અને હું એકલો જ નીચે જતો રહ્યો હતો. ત્યારે મહોબ્બતસિંહ, તેજસ ટાંક સહિતના નીચે ઉભા હોઇ તેણે શું થયું? તેમ પુછતાં મેં તેને કોૈશલભાઇ ઉદાણીએ ફોનમાં ગાળો દીધાની વાત કરી હતી. કોૈશલભાઇએ મારો સામાન ખેંચવાનો રસ્સો પણ કાપી નાંખી નુકસાન કર્યુ હોઇ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં મેં ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં બંને બનાવમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(12:32 pm IST)