રાજકોટ
News of Friday, 23rd April 2021

સરકારી-ખાનગી કોવીડ સેન્ટરોમાં બેડની મોટી અછતઃ ગાયત્રીબા વાઘેલા

ઓકસીજનના ખાલી બાટલા ભરવા સહીતના પ્રશ્ને તાકીદે વ્યવસ્થા કરવા પ્રદેશ કોંગ્રેસ મહીલા પ્રમુખની કલેકટર મારફત મુખ્યમંત્રી વિજયભાઇને રજુઆત

રાજકોટ, તા, ૨૩: શહેરની સ્થિતીને ધ્યાને લઇ તાત્કાલીક ઓકસીજનના ખાલી બાટલા ભરી આપવાની વ્યવસ્થા કરવા અન્યથા લોકોને મોતના મુખમાં ધકેલાતા બચાવવા માટે ઓકસીજન સાથેના બેડની તાત્કાલીક વ્યવસ્થા કરવા પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ માજા મુકી છે તેની અસરને રોકવા અને રાજકોટના લોકોને આ કોરોના મહામારીના ખપ્પરમાં હોમાતા રોકવામાં સરકારના તમામ પ્રયાસો વામણા પુરવાર થઇ રહયા છે. સરકારી અને ખાનગી કોવીડ સેન્ટરોમાં બેડની મોટી અછત સર્જાણી છે. એવા સમયે પોતાના ઘરે (હોમ આઇસોલેઇટ) થયેલા કોરોના દર્દીઓ માટે ઓકસીજનની મોટી જરૂરીયાત ઉભી થતા માંગ વધી છે.

વધુમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે આજ રોજ રાજકોટના કોરોના સંક્રમીત પરીવારના સભ્યો દ્વારા શ્રી માધવ ગેસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. મેટોડા જીઆઇડીસી રાજકોટ ખાતે ગત રાત્રીના ૩ વાગ્યાથી આજના બપોરના ૩ કલાક સુધી ઓકસીજન સીલીન્ડર ભરાવવા માટે અંદાજીત ૧૦૦ થી ર૦૦ માણસો લાઇન ઉભા હતા. પરંતુ અચાનક જ બપોરે ૩ કલાકે ફેકટરીના તંત્ર દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરના આદેશ મુજબ હવે કોઇને ઓકસીજનના સીલીન્ડર ભરી દેવાની મનાઇ ફરમાવવામાં આવી છે. એ જ રીતે ત્રિશુલ ઓકસીજન પ્રા.લી. શાપર-વેરાવળ રાજકોટ દ્વારા શાપર-વેરાવળના પોલીસ સ્ટેશનના પીએસઆઇના મૌખીક આદેશ મુજબ હવે કોઇને ઓકસીજન સીલીન્ડર ભરી આપવામાં નહી આવે તેમ જણાવી દેવામાં આવ્યું છે.

ત્યારે આ પરીવારો દ્વારા મને ટેલીફોનીક રજુઆત કરી સ્થળ પર ભેગા થયેલા લોકો દ્વારા મને વોટસએપના માધ્યમથી લેખીત રજુઆત તેમજ વિડીયો કલીપ પણ મોકલવામાં આવી.

તેમની માંગણી અને રજુઆત મુજબ રાજકોટના આવા હોમ આઇસોલેઇટ (ઘરે જ સારવાર મેળવતા) કોરોના સંક્રમીત દર્દીઓ માટે સરકાર પર્યાપ્ત માત્રામાં ઓકસીજનની વ્યવસ્થા કરે અથવા પર્યાપ્ત માત્રામાં ઓકસીજન સાથેના બેડની વ્યવસ્થા કરે. વિવિધ પ્રશ્નો તાકીદે ઉકેલવા ગાયત્રીબાએ માંગ કરી છે.

(4:06 pm IST)