રાજકોટ
News of Friday, 23rd April 2021

રાજકોટમાં ૧ સપ્તાહનું લોકડાઉન જાહેર કરો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરી માંગણી : શહેરના ૨૬ વેપારી એશોસીયનોનો ટેકો

રાજકોટ,તા. ૨૩ : સમગ્ર દેશ તથા રાજયમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને પરિસ્થિતી ખુબ જ ગંભીર બની ગયેલ છે. રાજકોટમાં હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તા.રર–૪–ર૦ર૧ ના રાજકોટ ચેમ્બર દ્ઘારા ર૬ જેટલા વિવિધ એસોસીએશનનો સાથે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટીંગ યોજેલ હતી. જેમાં રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશન, જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, રાજકોટ ગુડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, રાજકોટ ઓપ્ટીકલ એસોસીએશન, રાજકોટ ઈલેકટ્રીક લાયસન્સ કોન્ટ્રાકટ એસોસીએશન, રાજકોટ ઈમિટેશન જવેલરી એસોસીએશન, ગુજરાત મિની સિમેન્ટ એસોસીએશન, સૌરાષ્ટ્ર સ્ટોન મર્ચન્ટ એસોસીએશન, અટીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ભાગ્યલક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ ડિલર્સ એસોસીએશન, ગુંદાવાડી રોડ વેપારી એસોસીએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશન, કોઠારીયા નાકા વેપારી એસોસીએશન જેવા વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. આ મિટીંગમાં તમામ એસોસીએશનો સાથે રાજકોટ ચેમ્બરે વિચાર–વિમર્શ કરી કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી લોકડાઉન જરૂરી છે. કારણે કે કોરોનાની ચેઈનને તોડવી હોય તો લોકડાઉન સિવાય શકય નથી. લોકો માસ્ક પહેરે અને શોસ્યલ ડીસ્ટન્સ જાળવે તે જરૂરી છે. નાના વેપારીઓની આર્થિક પરિસ્થિતી ખુબજ ખરાબ છે તેમ છતા કોરોના જે રીતે વધી રહયો છે તે રીતે લોકડાઉન જરૂરી છે તેવી તમામ એસોસીએશનની લાગણી અને માંગણી હતી. અને તમામ એક સુર સાથે ગુજરાત સરકાર લોકડાઉન કરે તેવો સુર વ્યકત કર્યો હતો.

તેથી આ મિટીંગમાં સઘન ચર્ચા–વિચારણા કરી રાજકોટ ચેમ્બર તથા તમામ વિવિધ એસોસીએશનોએ સાથે મળી માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ભારપુર્વક ઈન્ડસ્ટ્રીઝોને બાદ કરી ઓછામાં ઓછું એક અઠવાડીયાનું કડક લોકડાઉન જાહેર કરે તેવી આશા વ્યકત કરેલ છે.

સાથો સાથ જયાં સુધી સરકારમાંથી લોકડાઉન અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી કોરોનાને હળવાશમાં ન લેવા અને સાવચેતી રાખી, માસ્ક પહેરવા, કોરોનાની વેકસીન લેવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ અનુરોધ કરેલ. તથા રાજકોટના તમામ વિવિધ એસોસીએશનોએ પોતાની પરિસ્થિતી મુજબ સ્વયંભુ બંધ રાખવાની અપીલ કરી હતી.

(4:02 pm IST)