રાજકોટ
News of Friday, 23rd April 2021

રાજકોટમાં દફનવિધિ માટે તુર્ત જગ્યા ફાળવો

મુસ્લીમ સમાજમાં દરરોજ ૮ થી ૧૦ વ્યકિતના મૃત્યુ થાય છેઃ જુના પુરાણા કબ્રસ્તાનોમાં કયાંય જગ્યા નથી : જુની કબરો ખોલવી પડે છેઃ કોરોનાની સ્થિતિ હજુ ગંભીર બનશે તો દફનવિધિ માટે મુશ્કેલી સર્જાશેઃ કલેકટર અને મ્યુનિ. કમિશ્નરને એ પહેલા જ ગંભીર રજુઆત કરતા યુનુસ જુણેજા

રાજકોટ, તા., ૨૩: કલેકટર તેમજ મ્યુનિ. કમિશ્નર પાસે કબ્રસ્તાનની જગ્યાની કોંગ્રેસના માઇનોરીટી ચેરમેન યુનુસ જુણેજાએ લેખીત માંગણી કરી જણાવ્યું છે કે હાલમાં દેશમાં કોરોના મહામારીનો કેર પ્રવર્તી રહેલ છે. આવા સંજોગોમાં જીલ્લા કલેકટર મ્યુનિ. કમિશ્નર તથા ટીમ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સરાહનીય કામગીરી બદલ રાજકોટ મુસ્લીમ સમાજ કલેકટરશ્રી તથા મ્યુની. કમિશ્નરશ્રીનો આભાર માને છે. મહામારીના લીધે લોકોની પરિસ્થિતિ દિવસેને દિવસે ખુબ જ ખરાબ થઇ રહી છે અને દરરોજ ઘણા લોકો મૃત્યુ પામી રહયા છે. સ્મશાનો તથા કબ્રસ્તાનોમાં બે-બે દિવસનું વેઇટીંગ રહે છે.

રાજકોટ શહેરમાં મુસ્લીમ સમાજની વસ્તી આશરે સાડા ત્રણ લાખ જેવી છે અને આ મહામારીમાં મુસ્લીમ સમાજના પણ દરરોજ  ૮ થી ૧૦ લોકો મૃત્યુ પામે છે. રાજકોટ શહેરમાં આઝાદી પહેલાના પ (પાંચ) કબ્રસ્તાનો છે. જેમાં ઘણા વર્ષોથી દફનવિધી માટે પુરતી જગ્યા નથી અને અમુક બંધ થઇ ગયેલા છે. જેથી હાલમાં મુસ્લીમ સમાજના લોકોને મૃત્યુ પછી દફનવિધી માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. હાલ જે કબ્રસ્તાન છે તેમાં પણ કયાંય જગ્યા જ નથી તેમજ રાજકોટ બહારના જે મુસ્લીમ સમાજના લોકો કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુ પામે છે તેમની દફનવિધી પણ રાજકોટ શહેરમાં ફકત પોપટપરામાં આવેલ કબ્રસ્તાનમાં કરવામાં આવે છે અને ત્યાં પણ દફનવિધી માટેની થોડીક જગ્યા હોય બે વર્ષ પહેલાની કબરોને ખોલીને સદર કબ્રસ્તાનમાં નાછુટકે તેમાં હાલના મૃતકોની દફનવિધી કરવાની ફરજ પડે છે. અત્યારે આ પોઝીશન છે તો ભવિષ્યમાં કોરોનાની ગંભીરતા ધ્યાને લેતા બહુ જ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થાય તેવી છે અને તે સમયે મૃતકોના સબને સન્માન ન મળે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા કબ્રસ્તાન માટે જમીન ફાળવવા તુર્ત યોગ્ય કરવું જરૂરી છે.

પોપટપરા કબ્રસ્તાનમાં પણ દફનવિધિ માટે જગ્યા થોડીક જ હોય હાલમાં કોરોના મહામારીનો કેર દિવસેને દિવસે વધતો જતો હોય ત્યારે મુસ્લીમ સમાજના લોકો મૃત્યુ પામે છે. ત્યારે મુસ્લીમ સમાજને દફનવિધી માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુસ્લીમ સમાજના વર્ષો થયા નવા કબ્રસ્તાન માટે જગ્યા સરકારે આપેલ નથી. તેમજ હાલ કોરોનાના હીસાબે મૃત્યુ દર વધી ગયેલ છે. પ્રસાસને તાત્કાલીક ધોરણે દફનવિધી કરવા માટે જગ્યા ફાળવવી જોઇએ તેવી માંગણી કલેકટરશ્રી, રાજકોટ તથા મ્યુનિ. કમિશ્નરશ્રી રાજકોટ સમક્ષ મુસ્લીમ સમાજ તરફથી કોંગ્રેસના માઇનોરીટી ચેરમેન જુણેજાએ કરી છે. (૪.૭)

તાકીદે કબ્રસ્તાનની જરૂરીયાત

રાજકોટઃ સુન્ની મુસ્લીમ કિસ્સામાં મૃતદેહ  દફનાવવા પોપટપરા, કોઠારીયા ઉપરાંત અન્ય સ્થળે નજર દોડાવવી પડે છે અને અફડાતફડી થઇ જાય છે. એવામાં વાવડી ખાતે કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાની માંગણી ટલ્લે ચડાવવામાં આવી રહી છે.  વાવડીમાં સરકારી ખરાબાના સર્વે નં. ૧૪૯ પૈકીની ૧ હેકટરથી વધુ જમીન કબ્રસ્તાન માટે ફાળવવા વાવડી સિપાઇ જમાત વકફ ટ્રસ્ટે કરેલી માંગણી સંદર્ભે વર્ષે ર૦૧૪માં પ્રાંત અધિકારીએ હકારાત્મક અભિપ્રાય સાથે દરખાસ્ત કલેકટરને મોકલી પણ હતી. એવામાં વિસ્તાર મહાપાલીકામાં ભળી ગયો.

મહેસુલ તંત્ર કે મનપામાં આ વિશે નિર્ણય તો નથી લેવાયો પરંતુ કાગળ પરની વિધિ, સ્થળ નિરીક્ષણ વગેરે ઔપચારીકતા ઘણી ખરી પતી ગઇ અને છેલ્લે મહાપાલીકા જનરલ બોર્ડમાં મુકવાની હતી. ત્યારે અહી કબ્રસ્તાનની મંજુરી મળી જાય તો ૫૦૦ થી વધુ દફનવિધિ થઇ શકે તેમ છે. આ બાબતે વધુ વખત કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

વાવડી સિપાઇ જમાતએ કલેકટરને રજુઆત કરી છે. જો કે કલેકટર અને મનપામાં ફાઇલ અટવાઇ છે અને કબ્રસ્તાનની તાતી જરૂરીયાત વચ્ચે વાવડીમાં મંજુરી ટલ્લે ચડી છે.

(3:12 pm IST)