રાજકોટ
News of Friday, 23rd April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ૮ના મોતઃ એક આધેડને ઓકિસજન ન મળવાથી મોત થયાનો આક્ષેપ

એક વૃધ્ધાને હોસ્પિટલમાં દાખલ જ ન કરવામાં આવ્યાનો પુત્રનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા આઠ લોકોના મોત નિપજ્યા હતાં. જેમાં એકને ઓકિસજન નહિ મળ્યાનો આક્ષેપ થયો છે.

 જામનગર રોડ મોચીનગર-૨ શિતલ પાર્ક પાસે રહેતાં નરોત્તમભાઇ ભોજાભાઇ સોનાગરા (ઉ.વ.૪૪)ને સાંજે શ્વાસ લેવામાં તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક પ્લમ્બીંગ કામ કરતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. તેમના સગાએ આક્ષેપ કર્યો હતો કે સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં પરંતુ તાત્કાલીક ઓકિસજનની વ્યવસ્થા ન થતાં દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર-૭માં રહેતાં કુસુમબેન કૃષ્ણકાંતભાઇ મહેતા (ઉ.વ.૬૦)ને બિમારી સબબ સિવિલ હોસ્પિટલમાં રાતે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પુત્ર વિશાલભાઇએ આક્ષેપ કર્યો હતો કે માતાને હોસ્પિટલમાં દાખલ જ કરવાની ના કહી દેવામાં આવી હતી. અમે તેમને મિત્રની કારમાં હોસ્પિટલે લઇ ગયા હતાં અને કારમાં જ દમ તોડી દીધો હતો. તબિબે એમએલસી કેસ જાહેર કરતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં કંચનબેન શીવાભાઇ પટેલ (ઉ.વ.૭૦) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગરમાં જાણ કરી હતી.

ચોથા બનાવમાં એંસી ફુટ રોડ પર આંબેડકરનગર-૬માં રહેતાં મુકેશભાઇ હરિભાઇ ચાવડા (ઉ.વ.૨૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પાંચમા બનાવમાં પીપળીયા હોલ પાસે રામેશ્વર-૨માં રહેતાં દમયંતિબેન પ્રવિણભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૫૩) રાતે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

છઠ્ઠા બનાવમાં કોઠારીયા રોડ સિધ્ધાર્થ સોસાયટી-૩ ક્રિષ્ના ચોકમાં રહેતાં વિરમભાઇ  ઘુઘાભાઇ મુંધવા (ઉ.વ.૩૬) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. વિરમભાઇ ચાર ભાઇમાં બીજા હતાં અને ડ્રાઇવીંગ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.

સાતમા બનાવમાં મવડી રોડ શ્રીનાથજી સોસાયટી-૧માં રહેતાં રાજુભાઇ હેમરાજભાઇ કેવડા (ઉ.વ.૪૫) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને કડીયા કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.  તમામ બનાવમાં પોલીસ એમએલસી કેસ જાહેર કરવામાં આવતા મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતાં.

આઠમા બનાવમાં શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટી-૨માં રહેતાં છગનભાઇ લક્ષમણભાઇ ચોૈહાણ (ઉ.વ.૭૦) રાતે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:03 am IST)