રાજકોટ
News of Tuesday, 23rd April 2019

ચૂંટણીમાં તંત્રની ટનાટન વ્યવસ્થા કે પછી રાજકિય પક્ષો ચુસ્તઃ કન્ટ્રોલ રૂમમાં નહીવત ફરિયાદો

કોંગ્રેસનાં રણજીત મુંધવા, ગજુભા ઝાલા, પ્રભાતભાઇ ડાંગર વગેરેએ આચાર સંહીતા ભંગની ફરિયાદો કરી

રાજકોટ તા. ર૩ :.. આજે યોજાયેલ લોકસભાની ચૂંટણી દરમિયાન બપોર સુધીમાં કલેકટર તંત્રને અત્યંત નહીવત માત્રામાં ચૂંટણી લક્ષી ફરીયાદો નોંધાઇ હોઇ આ વખતની ચૂંટણી વ્યવસ્થા એકદમ વ્યવસ્થીત હતી કે પછી રાજકિય પક્ષનાં કાર્યકરો આગેવાનો ચુસ્ત રહ્યા તેવા સવાલો ઉઠવા પામ્યા હતા.

આ અંગે જાણવા મળ્યા મુજબ આજે સવારથી જ શહેર-જીલ્લામાં શાંતી પૂર્ણ મતદાન શરૂ થયું હતું. આ દરમિયાન ઇ.વી. એમ. ને લગત થોડી ઘણી ફરીયાદો જ નોંધાઇ હતી. આચાર સંહીતા ભંગની ફરિયાદો અત્યંત નહીવત માત્રામાં નોંધાઇ હતી.

જે ફરીયાદો નોંધાઇ હતી તેમાં કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ મતદાન મથક આસપાસ ભાજપની ઝંડીઓ હોવાની, તેવી જ રીતે વોર્ડ નં. ૧૩ માં કોંગી અગ્રણી પ્રભાત ડાંગરે મતદાન મથક પાસે ભાજપની ઝંડી લગાવેલી મોટરકારો હોવાની અને કોંગ્રેસ ફરીયાદ સેલનાં રણજીત મુંધવાએ ભાજપનાં મોહનભાઇ કુંડારીયાને મત આપતો ગુપ્ત મતદાનનો વિડીયો ટીકટોકમાં વાઇરલ કરનાર વ્યકિત સામે ફરીયાદ નોંધાવી હતી.

આમ કોંગ્રેસ દ્વારા આવી બે-ચાર ફરીયાદો સિવાઇ અન્ય કોઇ મોટી ફરિયાદો બપોર સુધી નોંધાઇ ન હતી.

તેવી જ રીતે પોલીસ કન્ટ્રોલ રૂમમાં પણ કોઇ જગ્યાએ માથાકુટ કે ઝપાઝપી - ઘર્ષણ વગેરેનાં બનાવો નોંધાયા નથી.

આમ બપોરે ૩ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ હતું.

(3:43 pm IST)