રાજકોટ
News of Tuesday, 23rd April 2019

રૈયા રોડ ઓવરબ્રીજના છેડે કચરા ગાડીની ઠોકરે ગાંધીગ્રામના સોરઠીયા પ્રજાપતિ વૃધ્ધ ભીમજીભાઇ જેઠવાનો જીવ ગયો

દરજી કામ માટે ઘરેથી નીકળ્યા ને મોદી સ્કૂલ સામે 'કાળ' ભેટી ગયોઃ સામેના છેડે ઉભેલા પુત્રની નજર સામે જ ૭૮ વર્ષિય વૃધ્ધ ઠોકરે ચડી ગયાઃ ચાલક ગાડી મુકી ભાગી ગયો

પ્રજાપતિ વૃધ્ધનો ભોગ લેનારી ટીપરવાન (કચરા ગાડી) અને વૃધ્ધનો નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: રૈયા ચોકડીએ નવા બનેલા ઓવરબ્રીજના છેડે પહેલો જીવલેણ અકસ્માત સર્જાયો છે. સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપરવાન (કચરાગાડી)ની ઠોકરે ચડી જતાં ગાંધીગ્રામના સોરઠીયા પ્રજાપતિ વૃધ્ધનું મોત નિપજ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથકની બાજુમાં મોદી સ્કૂલની સામે જ જ્યાં ઓવરબ્રિજ પુરો થાય છે ત્યાં આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ શેરી નં. બી-૪માં 'માતૃ આશિષ' ખાતે ઓમકારેશ્વર મંદિરની બાજુમાં રહેતાં મુળ આંબલીયા ઘેડના વતની અને વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા ભીમજીભાઇ દેવરાજભાઇ જેઠવા (ઉ.૭૮) સ્કૂલ યુનિફોર્મ સિવવાનું ઘર બેઠા કામ કરતાં હોઇ ગત સાંજે ઘરેથી કામ માટે કાપડ લેવા જવા નીકળ્યા હતાં. રિક્ષામાં બેસી ઓવરબ્રિજ પુરો થાય છે ત્યાં એટલે કે મોદી સ્કૂલ પાસે તેઓ ઉતર્યા હતાં. સામેની સાઇડમાં તેના પુત્ર યોગેશભાઇ (ઉ.૩૪)ને મંડપ સર્વિસની દૂકાન હોઇ ભીમજીભાઇએ પોતે રિક્ષામાંથી ઉતરે પછી પોતાને ત્યાંથી તેડી જવા પુત્ર યોગેશભાઇને ફોન કરી રાખ્યો હતો.

ભીમજીભાઇ રિક્ષામાંથી ઉતર્યા ત્યારે સામેના છેડે જ પુત્ર રાહ જોઇને ઉભો હતો. ભીમજીભાઇ રોડ પસાર કરવા આગળ વધે એ પહેલા જ ગાંધીગ્રામ તરફથી કચરાગાડી નં. જીજે૦૩જી-૨૫૫૩ બંબાટ આવી હતી અને ભીમજીભાઇ ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયા હતાં અને લોહીલુહાણ થઇ ગયા હતાં.   સામેના છેડે ઉભેલા પુત્રની નજર સામે જ આ ઘટના બનતાં તે હેબતાઇ ગયા હતાં અને રેલીંગ ઓળંગી તાકીદે પિતા પાસે પહોંચ્યા હતાં. બીજા લોકો પણ એકઠા થઇ ગયા હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં ભીમજીભાઇને તાકીદે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતે હોસ્પિટલે પહોંચી મૃતક વૃધ્ધના મોટા પુત્ર શૈલેષભાઇ જેઠવા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી ટીપરવાનના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જી કચરા ગાડી મુકીને ચાલક ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર ભીમજીભાઇને સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. તેમના પત્નિનું નામ મુકતાબેન છે. મોભીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:13 pm IST)