રાજકોટ
News of Tuesday, 23rd April 2019

દેવીપૂજક પરિવારના બે સગા ભાઇના એક સાથે ડૂબતાં મોત ન્હાવાની મજા માતમમાં પરિણમી...: ફઇનો દિકરો બચી ગયો

કુબલીયાપરાના રોહિત (ઉ.૧૨) અને વિશાલ (ઉ.૧૦)ની એકસાથે અરથી ઉઠતાં કલ્પાંતઃ માતા-પિતા કપડા વેંચવા ગયા હોઇ ઘરે જ રહેવાની સુચના હતીઃ પણ 'કાળ' બોલાવતો હોઇ તેમ ઘરેથી છાનામાના નીકળી ગયા'તા

રાજકોટઃ કુબલીયાપરામાં રહેતાં દેવીપૂજક પરિવારના બે સગા ભાઇઓ રોહિત અમરભાઇ ચારોલીયા (ઉ.૧૨) તથા વિશાલ અમરભાઇ ચારોલીયા (ઉ.૧૦) ગઇકાલે ફઇના દિકરા લક્કી સંજયભાઇ વહાણુકીયા (ઉ.૧૪) સાથે ઘરેથી છાનામાના નીકળી આજીડેમે ન્હાવા ગયા હતાં. પરંતુ તેમાં રોહિત અને વિશાલના ડુબી જતાં મોત નિપજતાં ન્હાવાની મજા માતમમાં પરિણમી હતી. ફાયર બ્રિગેડ ટીમને ત્રણ છોકરા ડુબી ગયાની જાણ થતાં સ્ટેશન ઓફિસર શ્રી ખાન, જમાદાર શૈલેષભાઇ, ફાયરમેન શાહરૂખખાન, જય ગાંધી, શિવરાજભાઇ સહિતની ટીમ પહોંચી હતી અને ટ્યુબ, રસ્સી, મિંદડી, દામડી જેવા સાધનોથી ડૂબેલા બંનેની શોધખોળ આદરી હતી. બંને ભાઇઓ વારાફરતી બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. ન્હાતી વખતે વિશાલ અને રોહિત પાણીમાં આગળ નીકળી ગયા હતાં અને ડૂબી ગયા હતાં. જ્યારે ફઇનો દિકરો લક્કી કાંઠા પર હોઇ તે બચી ગયો હતો. મૃત્યુ પામનાર બંને પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. માતા-પિતા જુના કપડા વેંચવાનું કામ કરે છે. બંને બહાર ગયા ત્યારે આ ટાબરીયાવને ઘરે જ રહેવા સુચના આપી ગયા હતાં. પરંતુ કાળ જાણે બોલાવતો હોઇ તેમ બંને ફઇના દિકરા સાથે ન્હાવા ગયા હતાં અને ડૂબી ગયા હતાં. એક સાથે બંનેની અરથી ઉઠતાં કલ્પાંત સર્જાયો હતો. તસ્વીરમાં ફાયર બ્રિગેડની ટીમે બંનેને શોધ્યા તે દ્રશ્યો અને મૃતદેહ જોઇ શકાય છે.

(11:36 am IST)