રાજકોટ
News of Saturday, 23rd March 2019

હવે ગરમીના આકરા ડોઝ માટે તૈયાર રહેજો

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૪ થી ૩૧ માર્ચ સુધીની આગાહી : આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જશે : ગરમી ૨ થી ૫ ડિગ્રી વધશે : દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ ગરમીનો રાઉન્ડ : રાજકોટમાં ૩૭ ડિગ્રી : ૧૪% ભેજ સાથે પવનની ગતિ ૧૪ કિ.મી. : આવતા મંગળ-બુધ સુધીમાં પારો ૪૦ને અને ૩૧મી સુધીમાં ૪૨ ડિગ્રીને વટાવી જશે

રાજકોટ, તા. ૨૩ : માર્ચ મહિનાના મધ્ય સુધી મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળેલ. આ સપ્તાહમાં ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આગામી આખુ અઠવાડીયુ એટલે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો આકરો ડોઝ જોવા મળશે. આવતા મંગળ-બુધ સુધીમાં પારો ૪૦ ડિગ્રીને અને આ અઠવાડીયાના અંત સુધીમાં પારો ૪૨ ડિગ્રીને પાર કરી જશે. આમ ગરમીનો જોરદાર પ્રથમ રાઉન્ડ આવી રહ્યાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ મહત્તમ તાપમાન નોર્મલ નજીક પહોંચી ગયું. ગઈકાલે દરેક સેન્ટરમાં તાપમાન નોર્મલ આસપાસ નોંધાયેલ. જેમ કે રાજકટ મહત્તમ તાપમાન ૩૭.૬, ન્યુનતમ ૨૧.૩, અમરેલી - ૩૭.૨ -૨૨.૩, અમદાવાદ - ૩૬.૬- ૨૦.૪. હાલમાં દરેક ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાન નોર્મલ ૩૭ ડિગ્રી અને ન્યુનતમ નોર્મલ તાપમાન ૨૦ ડિગ્રી કહેવાય.

શ્રી અશોકભાઈ પટેલ તા.૨૪ થી ૩૧ (સોમથી રવિ) સુધીની આગાહી કરતા જણાવે છે કે આવતીકાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે. જે તા.૨૬, ૨૭ (મંગળ-બુધ) સુધીમાં ૪૦ ડિગ્રીને વટાવી જશે. તેમજ આગાહીના સમયમાં અમુક સેન્ટરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર કરી જશે. (તા.૩૦ અને ૩૧ના) જો કે આવતા અઠવાડીયે નોર્મલ તાપમાનમાં પણ વધારો થશે. કોઈ - કોઈ જગ્યાએ નોર્મલ મહત્તમ તાપમાન બે થી પાંચ ડિગ્રી ઉચું જોવા મળેલ.

સામાન્ય રીતે દરીયાઈ પટ્ટીના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી નીચુ જોવા મળતુ હોય છે. પરંતુ ઉકત આગાહીના બે - ત્રણ દિવસોમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ ગરમી જોવા મળશે.

પવન ઉત્તર, ઉત્તર - પશ્ચિમના ફૂંકાશે. ૨૮મી માર્ચે એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જે તા.૨૯, ૩૦, ૩૧ના સામાન્ય ભેજ વધશે. ગરમીનો રાઉન્ડ શરૂ થશે એટલે સાંજના સમયે પવનની ગતિ જોવા મળશે.

 

(4:09 pm IST)