રાજકોટ
News of Friday, 23rd March 2018

કાલે અર્થઅવર-૨૦૧૮ : રાત્રીના ૮:૩૦ થી ૯:૩૦ એક કલાક વીજળીનો ઉપયોગ ન કરવા અપીલ

આ અભિયાનમાં દુનિયાના ૧૭૮ થી વધુ દેશો જોડાય છે

રાજકોટ, તા. ૨૩ : લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઇ ભીમાણી, રાષ્ટ્રીય મંત્રી ભાવિનભાઇ જોબનપુત્રા તથા ઉપાધ્યક્ષ શૈલેષભાઇ ઠક્કરની યાદીમાં જણાવાયું છે કે આપણા દેશમાં વીજળીનો વપરાશ સતત વધતો જાય છે અને તેનાથી વાતાવરણમાં કાર્બનની માત્રા વધતી જાય છે. કાર્બનની વધારે માત્રાને કારણે આપણે ગ્લોબો કલાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ. તો આપણે સૌ વાતાવરણમાં વધતા જતાં કાર્બનના પ્રમાણને અટકાવવા માટે વીજળીનો જરૂરીયાત પુરતો ઉપયોગ કરીએ તેવા સારા ઉદેશ્ય સાથે 'અર્થઅવર' ની ઉજવણી એક પ્રતિકારત્મક અભિયાન છે. આ વર્ષે આવતીકાલે ૨૪ મીના શનિવારે રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમ્યાન 'અર્થઅવર-૨૦૧૮' ઉજવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે સૌપ્રથમ ૩૧ માર્ચ ૨૦૦૭ ના રોજ ડબલ્યુડબલ્યુએફ દ્વારા સિડની ખાતે યોજવામાં આવેલ.

આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ ન કરવો અથવા જરૂરીયાત પૂરતો જ કરવો. આ અભિયાનમાં આખી દુનિયામાંથી લગભગ ૧૭૮ થી વધુ દેશોના કરોડો લોકો જોડાશે. શ્રી લોહાણા મહાપરીષદ, પર્યાવરણ સમીતી, સૌરાષ્ટ્ર વિભાગના સભ્યો આ અભિયાનમાં વીજળીનો ઉપયોગ નહી કરે અને પ્રાચીન ભારતીય પરંપરા મુજબ માટીના દીવડા પ્રગટાવીને 'અર્થઅવર' ની ઉજવણી કરશે.

લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક, મંત્રી હિમાંશુભાઇ ઠક્કર, પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઇ ભીમાણી, રાષ્ટ્રીય મંત્રી ભાવિનભાઇ જોબનપુત અને ઉપાધ્યક્ષ શૈલેષભાઇ ઠક્કર દ્વારા આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.

રાજકોટમાં આવતીકાલે રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ 'સ્વસ્તીક', નિવેદીતા સોસાયટી, ત્રિલોકપાર્કની પાછળ, અક્ષર સ્કૂલ સામે કાર્યક્રમ યોજાયો છે.

તસ્વીરમાં રશ્મીબેન માણેક, કમલાબેન ભાગ્યોદય, હંસાબેન લાલ, જાગૃતીબેન ખીમાણી અને ચેતનાબેન ભીંડોરા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:32 pm IST)