રાજકોટ
News of Friday, 23rd March 2018

જૈનોની આયંબીલ ઓળીનો આજથી શુભારંભ : ૯ દિવસ તપ - આરાધના

આયુર્વેદ અને વિજ્ઞાનની દૃષ્ટિએ આરોગ્ય માટે શ્રેષ્ઠ

રાજકોટ, તા.૨૩ : આજથી જૈનોના મહાન પર્વ ચૈત્રી ઓળીનો શુભારંભ થયો છે. સ્થાનકવાસી તથા દેરાવાસી જૈનો આજથી ઓળીની તપશ્ચર્યા કરશે. નવ દિવસ સુધી ચાલનારા ચૈત્રી ઓળી પર્વમાં જૈનો આયંબીલનું તપ કરશે. ચૈત્ર અને આસો માસમાં આવી બે ઓળી આવતી હોય છે. આ બંને ઓળીઓ શાશ્વતની ગણાય છે. એટલે કે સમગ્ર વિશ્વમાં તેમજ દેવલોકમાં જયાં પણ કોઈ જૈન મનુષ્ય કે જૈન દેવ તે આ ઓળીની આરાધના આ દિવસોમાં જ કરતા હોય છે. જૈનોનું જગ વિખ્યાત મહાપર્વ પર્યુષણ શાશ્વત નથી ગણાતુ. પર્યુષણની આરાધના માત્ર મનુષ્ય લોકમાં અને એ પણ મર્યાદિત ક્ષેત્રમાં થતી હોય છે. નવપદજીની આયંબીલની બંને ઓળીઓની આરાધના સમગ્ર વિશ્વમાં થતી હોય છે. શ્રાવકો - શ્રાવકીઓ ૯ દિવસ સુધી સ્વાદ તથા મન ઉપર વિજય મેળવી સ્વાદ વગરનું એક ટંક ભોજન કરશે. સાથોસાથ દેરાસરો તથા ઉપાશ્રયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં જૈનો જપ - તપ - સાધના કરશે. ચૈત્રી માસની આયંબીલ ઓળીને નવપદ આયંબીલ તરીકે પણ ઓળખવામાં આવશે.

(11:26 am IST)