રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ વોર્ડ નં.રમાં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય

કોંગ્રેસના નકારાત્મક પ્રચારને મતદારોનો તમતમતો તમાચો : -મનિષ રાડીયા, જયમીન ઠાકર, ડો.દર્શિતાબેન શાહ તથા મીનાબેન જાડેજાને લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યા.

રાજકોટ તા. ર૩ : મહાનગરપાલિકાની ચંૂટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો જયજયકાર થઇ ગયો છે ત્યારે રાજકોટના વોર્ડ નં.ર ની  ચૂંટણી ઉપર તમામ લોકોની નજર મંડાયેલી હતી.

સતત છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાનાર અને ૧૦૮નું બિરૂદ ધરાવનાર અતુલભાઇ રાજાણીનો તેની સમગ્ર પેનલ સાથે કોંગ્રેસમાંથી કારમો પરાજય થયો છે.

ભાજપની પેનલના ચારેય ઉમેદવારો મનિષભાઇ રાડીયા (પૂર્વ ચેરમેન-બાંધકામ સમિતિ) જયમીનભાઇ ઠાકર, (પૂર્વ ચેરમેન આરોગ્ય સમિતિ) ડો. દર્શિતાબેન શાહ (પૂર્વ ડે.મેયર) તથા સામાજીક અગ્રણી મીનાબેન જાડેજાને લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યા હતા.

વોર્ડ નં.રમાં કોંગ્રેસની કારમી હારનું કારણ તેનો નકારાત્મક પ્રચાર પણ ગણવાઇ રહ્યો છે. પોતાનો ગત ચુંટણીનો વોર્ડ નં.૩ મુકીને નવા સિમાંકનના ઓઠા હેઠળ 'ચોકકસ ટાર્ગેટ' સાથે આવેલ કોંગ્રેસના ઉમેદવાર અતુલભાઇ રાજાણીને તેમની આખી પેનલ સાથે મતદારોએ ઘરે બેસાડી દીધા છે.

વર્ષોના અનુભવી રાજકીય પંડીતો તો એવું પણ કહે છે. કે ચુંટણીના છેલ્લા પાંચેક દિવસ બાકી હતા ત્યાં સુધી વોર્ડ નં.રમાં કોંગ્રેસ માટે વાતાવરણ સારૂ હતું પરંતુ અતુલભાઇ રાજાણી સાથે રહેલા અને પોતાન ેઅગ્રણીઓ તરીકે ગણાવતા લોકોએ ભાજપ વિરૂદ્ધ નકારાત્મક પ્રચાર કરવા માંડયો હતો. જેમ ફાવે તેમ પોતાના નામે કોંગ્રેસને મત આપવાની અપીલ કરવામાં આવતી હતી અને ભાજપને ભાંડવાનું શરૂ કર્યું હતું જેને કારણે વોર્ડ નં.રમાં કોંગ્રેસ રીતસર ધુળ ચાટતી થઇ ગઇ હતી.

એવી પણ કર્ણેાપકર્ણ ચર્ચા છે. કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમુક અગ્રણીઓએ પણ છાનેખુણે એક યા બીજી રીતે કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો. ભાજપની સ્ટ્રેટેજીને પોતાના અંગત માણસો દ્વારા કોંગ્રેસ સુધી પહોંચાડી હોવાની ચર્ચા છે. જો કે આ બાબતની ભાજપના હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળે છે.

આવુ બધું થવા છતાં પણ 'સો વાતની એક જ વાત'ની કહેવત સાર્થક કરતા મતદારોએ ભાજપની હકારાત્મક વિચાર-સરણીને અદમ્ય ઉત્સાહ સાથે વધાવી લીધી છે.

(4:15 pm IST)