રાજકોટ
News of Saturday, 23rd February 2019

ખાસ બોર્ડ લોક પ્રશ્નો માટે નહિ પરંતુ મળતિયાઓને સાચવવા માટેઃ કોંગ્રેસ

અંગત સ્વાર્થ માટે કોર્પોરેશનના ભાજપ શાસકો પ્રજાને ભૂલ્યાઃ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા-અતુલ રાજાણીનાં આક્ષેપો

રાજકોટ, તા. ૨૩ :. આગામી તા. ૨૮મીએ યોજાનાર કોર્પોરેશનનું ખાસ બોર્ડ લોકપ્રશ્નો માટે નહીં પરંતુ માત્ર કેટલાક મળતિયાઓને સાચવવા માટે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શાસકપક્ષ ભાજપના પદાધિકારીઓ દ્વારા યોજવામાં આવ્યાના આક્ષેપો વિપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઈ સાગઠિયા તથા પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીએ કર્યા છે.

આ અંગે ઉકત બન્ને કોંગી આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો ફકતને ફકત પાર્ટીના સ્વાર્થ ખાતર નાના અને ગરીબ માણસોને ભૂલી જાય છે. ચૂંટણી આવે ત્યારે જ નાના ગરીબ માણસો મત વખતે યાદ આવે, તે પહેલા પોતાના મળતિયાઓને સાચવવાની તમામ તૈયારીઓ કરી સાચવી લેતા હોય છે. જેના પુરાવા અનેક વખત રાજકોટની પ્રજાને કોંગ્રેસે આપ્યા છે.

શ્રી રાજાણી તથા શ્રી સાગઠિયાએ વધુમાં જણાવ્યું છે કે આગામી તા. ૨૮ના રોજ ખાસ જનરલ બોર્ડ બોલાવવાનું કારણ શું? કેમકે પ્રજાનાં પ્રશ્નો માટે આ બોર્ડ નથી આ બોર્ડ ફકત ભાજપના મીત્રો અને અમુક નેતાઓને સાચવવા માટે ''ખાસ બોર્ડ'' બોલાવવામાં આવ્યું છે.

કોંગી આગેવાનોએ એાવ સણસણતાં આક્ષેપો કર્યા છે કે ''આ બોર્ડમાં અમુક જમીનો ખાસ લોકો ફાળવી દેવી જેથી ચૂંટણીમાં કામ આવે અમુક બહુ જ મોટા માથાઓ એ જે જગ્યાએ જમીન લીધી હોય અને તેના ભાવ કરોડો રૂપિયા આવતા હોય તેની આજુબાજુમાં પછાત અને મધ્યમ વર્ગના લોકોના મકાનો બને તો પોતાને કરોડોના ફાયદા માંથી લાખોનો ફાયદો થાય આવા મળતીયાઓ માટે જમીનનાં હેતુ ફેર કરવા માટે આ બોર્ડ છે આમ, આ બોર્ડ ગરીબ મધ્યમ વર્ગના માટે નથી બોલાવ્યું તેમાં પ્રશ્નો નથી ચર્ચાવાના આમાં ફકત અમીરો જે  ... ચૂંટણીમાં કામ આવવાના છે તેના માટેનું જ ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે તેથી આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી, પ્રમુખ સાથે ચર્ચા કરી બોર્ડમાં  લોકશાહી માટે શું રણનીતિ કરવી તે જાહેર કરશે તેમ અંતમા શ્રી રાજાણી અને શ્રી સાગઠિયાએ જણાવેલ છે.

(3:39 pm IST)