રાજકોટ
News of Saturday, 23rd January 2021

મ.ન.પા.ની આ કેવી નીતિ ? એકને ખોળને બીજાને ગોળઃ એસ્ટ્રોનનો વોંકળો ચોખ્ખોને પરસાણાનો વોંકળો ગંદો !

મ્યુ. કમિશનર સ્થળ મુલાકાત લઇ આ વિસ્તારની તર્ક સમાન ગંદકી દુર કરાવે : આમ આદમી પાર્ટીના કિરણ વાઘેલાની માંગ

તંત્રની બેધારી નીતિની ચાડી ખાતી આ તસ્વીરમાં ગંદકીથી ખદબદતો પરસાણાનગરનો વોંકળો નજરે પડે છે. જ્યારે બાજુની તસ્વીરમાં એસ્ટ્રોનનો ચોખ્ખો ચણાંક વોંકળો દર્શાય છે. (અહીં લાખોના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો છે.)

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા.ના તંત્ર વાહકો એક તરફ શહેરના સર્વાંગી વિકાસની સુફિયાણી વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વોંકળાઓની સફાઇમાં એકને ખોળ અને બીજા ગોળ જેવી નીતિ અખત્યાર કરી રહ્યાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના વોર્ડ નં. ૩ના ઉપપ્રમુખ કિરણ વાઘેલાએ ગંદકીથી ખદબદતા પરસાણાનગરના વોંકળાની સફાઇ કરાવવા માંગ ઉઠાવી છે.

તેઓએ ફોટોગ્રાફના આધાર - પુરાવા સાથે તંત્રની બેધારી નીતિનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું. શહેરના એસ્ટ્રોન ચોકનો વોંકળો કે જ્યાં સુખી સંપન્ન લોકોના બંગલા છે તેની સ્વચ્છતા માટે તંત્રએ લાખોના ખર્ચે બોકસ ગટર, સાયકલ ટ્રેકની સુવિધા આપી વોંકળાને ચોખ્ખો ચણાંક બનાવ્યો છે. જ્યારે વોર્ડ નં. ૩માં આવેલ પરસાણાનગર જ્યાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વોંકળાની સફાઇ થતી નથી. કોરોના કાળમાં જે સફાઇ કામદારો 'કોરોના વોરિયર્સ' છે તેમના પરિવાર જ્યાં વસવાટ કરે છે તે વિસ્તારમાં સફાઇ થતી નથી, સ્વચ્છ ભારત મીશન જે વડાપ્રધાનશ્રીએ સુત્ર આપ્યું છે, તે સફાઇ કામદારોના વિસ્તારને લાગુ પડતી નથી શું ? સફાઇ કામદારોને ગંદકીમાં રહેવા માટે ફરજ પાડવા મજબુર કરી રહેલ છે આ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ સફાઇ કામદારના વિસ્તારોથી સુગ ચડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ વોંકળા જે પોલીસ હેડ કવાટર્સમાંથી નીકળી પરસાણાનગર તરફ આવે છે, વોંકળામાં આગળથી બંને સાઇડ દિવાલ કરેલ છે, તે દિવાલ જામનગર રોડના પુલ સુધી છે. જેવો પછાત વિસ્તાર ચાલુ થાય છે ત્યાં બંને સાઇડ ખુલ્લો વોંકળો છે, આ વોંકળામાં ચોમાસામાં લાખા બાપાની વાડી તથા પરસાણાનગરના રહેવાસીઓના ઘરમાં પાણી ઘુસી જાય છે, પછાત વિસ્તાર હોવાથી અહીં કોઇ ધ્યાન આપતું નથી.આ પ્રશ્ન વર્ષો જુનો છે, છતાં કમિશનરશ્રીએ જાતે અહીં આવી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

(3:23 pm IST)