રાજકોટ
News of Saturday, 23rd January 2021

હોય હૈયે હામ તો હર મુશ્કીલ સરળ બને છે, અરે હાથ ન હોય ભલે તો'ય એ કલાકાર અદ્દભુત બને છે...આ વાત સાબિત કરી છે રાજકોટના યુવાને

જન્મથી જ દિવ્યાંગ સૌરભ કલાથી કરે છે મંત્રમુગ્ધઃ એક હાથ નથી છતાં ડ્રમ, ઢોલક વગાડવામાં માસ્ટર

'અકિલા ડિજીટલ' પર રજૂ થયેલી વિશેષ કહાનીને એક જ દિવસમાં ૯૫ હજાર વ્યુઝ મળ્યા : લોકો આજે મને સૌરભ ગઢવીના પિતા તરીકે ઓળખતા થઇ ગયા છે, આનાથી વધુ ખુશી બીજી શું હોઇ શકેઃ સૌરભના પિતા દિનેશભાઇ ગઢવી દિકરાની સફળતાથી અત્યંત ખુશ : મને ભગવાને અલગ બનાવ્યો એટલે મેં પણ કંઇક અલગ કરવાનો દ્રઢ નિર્ણય કર્યો અને તેમાં પરિવારનો પુરો સહકાર મળ્યોઃ હું વિકલાંગ હોઉ એ રીતે કદી મને ઉછેર્યો જ નથીઃ સૌરભ : સૌરભનો જન્મ થયો ત્યારે હું રડી પડી હતી, પણ સાસુએ કહ્યું-ભગવાને જે આપ્યું છે એ વિચારીને જ આપ્યું છેઃ સૌરભના માતા જયશ્રીબેન ગઢવી

એક હાથ ન હોવા છતાં ઢોલક, ડ્રમ સહિતના વાજીંત્રો વગાડવામાં માહેર સૌરભ ગઢવી અલગ-અલગ મુદ્રામાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં તેના માતા, પિતા સહિતના પરિવારજનો નજરે પડે છે.

રાજકોટ તા. ૨૩: 'અરે હાથ નથી તો શું થયું, હૈયે હામ તો છે ને...મુશ્કેલીઓ ભલે હોય અનરાધાર, અડીખમ અવિરત સંઘર્ષ સામે સફળતા તો છે ને'...કંઇક આવી જ વાતને યથાર્થ ઠેરવી રહ્યો છે રંગીલા રાજકોટનો યુવા આર્ટીસ્ટ સૌરભ ગઢવી. જન્મથી જ એક હાથથી દિવ્યાંગ એવો આ યુવાન પોતાને કુદરત તરફથી મળેલી ખોડખાપણ સામે હાર્યા વગર પોતાની આ ખામીને જ સફળતાની સીડી બનાવી આગળ વધી આજે એક શાનદાર ડ્રમ આર્ટીસ્ટ બની ગયો છે, ઢોલક સાથેનો તેનો તાલ પણ ભલભલા માસ્ટરને વિચારતા કરી મુકે તેવો છે. સૌરભની આ મંત્રમુગ્ધ કરી દેતી કલાને 'અકિલા ડિજીટલ'ના પ્લેટફોર્મ પર લાઇવ રજૂ કરવામાં આવતાં એક જ દિવસમાં ૯૫ હજાર વ્યુઝ મળ્યા હતાં. સૌએ સૌરભની આ અદ્દભુત કલાને 'અકિલા ડિજીટલ'ના માધ્યમથી માણી છે, જાણી છે અને હજુ પણ ઓનલાઇન માણી રહ્યા છે. આ ઉપરાંત લોકો સતત સૌરભને તેની કલા માટે તો 'અકિલા'ને આવા કલાકારોને પ્રોત્સાહિત કરી આગળ વધવાની તક આપવા માટે સતત શુભેચ્છાઓ આપી રહ્યા છે.

કહેવાય છે કે જેના હાથ નથી હોતાં તેની પણ કિસ્મત હોય છે. રાજકોટના યુવાન સૌરભને જન્મથી જ એક હાથ અડધો છે. બોલીવૂડના દિગ્ગજ સંગીતકારો, ગાયકો પણ સૌરભની આ કલાના ભરપુર વખાણ કરી ચુકયા છે. સૌરભનો જન્મ થયો ત્યારે લોકો તરેહ તરેહની વાતો પરિવારને સંભળાવવા માંડ્યા હતાં, કારણ કે તે જન્મથી જ એક હાથે ખોડખાપણવાળો હતો. પણ સૌરભના પરિવારે હાર ન માની અને તેને લાડકોડથી ઉછેર્યો, મોટો કર્યો, હિમ્મત આપી.

એ પછી સૌરભની જિંદગી પાટા પર એવી દોડવા માંડી કે જાણે બૂલેટ ટ્રેન. સૌરભે મનથી જ નક્કી કરી લીધું હતું કે ભલે મારે એક હાથ ન હોય પણ મારે કંઇક એવું અલગ કરીને દેખાડવું છે કે બધા જોઇ રહે. સૌરભના પિતા દિનેશભાઇ ગઢવી કહે છે-સૌરભે આજે એવી ઓળખ ઉભી કરી છે કે એના કારણે લોકો મને ઓળખતા થયા છે, હું નીકળું તો મને સૌરભના પિતા તરીકે ઓળખે છે. સૌરભને બાળપણથી જ સંગીતનો શોખ જાગ્યો હતો. સૌરભ એક હાથ ન હોવા છતાં ડ્રમ, બોંગો ડ્રમસેટ, ઢોલક સહિતના વાજીંત્રો દમદાર રીતે વગાડી શકે છે. એક હાથ ન હોવા છતાં તેણે પોતાની વિકલાંગતાને જ પોતાની તાકાત બનાવી લીધી છે.

માતા જયશ્રીબેન ગઢવીએ કહ્યું હતું કે  સૌરભના જન્મના આઠ દસ દિવસ પછી મને મારા સાસુએ કહ્યું હતું કે તું તારા મનને અડગ કરી લે, તારે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાને જે આપ્યું છે એ કંઇક વિચારીને જ આપ્યું છે. મારી સામે કપડુ હટાવી મને લાડકવાયાને દેખાડાતાં જ હું રડવા માંડી હતી, કારણ કે તેને એક હાથમાં ખામી હતી. પણ દિકરા સૌરભે આજે પોતાની ખામીને જ ખુબી બનાવી લીધી છે, એ જોઇને હું અત્યંત ખુશ છું.

સૌરભ આજે એવો કલાકાર બની ગયો છે કે તેની કળાને સોનુ નિગમ, ડ્રમર શિવમણી, સલિમ મર્ચન્ટ, અફસાના ખાન અને માસ્ટર સલિમે બીરદાવી છે અને સૌરભના વિડીયોને પોતાના અંગત સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને બીજા દિવ્યાંગોને પણ સૌરભમાંથી પ્રેરણા લેવા પ્રેરીત કર્યા છે.

સૌરભ કહે છે-બાળપણમાં મને વિકલાંગ શબ્દનો અર્થ જ ખબર નહોતો. કારણ કે  પરિવારજનોએ વિકલાંગ બાળક હોય એ રીતે મારો ઉછેર જ નહોતો કર્યો. મનમાં પ્રબળ વિશ્વાસ હતો કે ભગવાને મને અલગ બનાવ્યો છે તો હવે મારે પણ કંઇક અલગ જ કરવું છે. જે લોકો હાથની આંગળીઓથી જે કામ કરે છે એ હું મારા ખભાથી કરી શકુ છું.

દિવ્યાંગો કે જે પોતાની શારીરિક ખામી સામે હારીને બેઠા છે તેમણે સૌરભની આ સ્ટોરી નિહાળવી જોઇએ, તેની જિંદગી જોવી જોઇએ...જેથી ખબર પડશે કે સૌરભ ગઢવીએ પોતાની ખામી સામે કરી રીતે લડત આપીને સફળતા મેળવી છે અને કઇ રીતે નામના મેળવી છે.

અકિલા ડિજીટલ પર રિલીઝ થયેલી આ અનોખી કહાનીને એક જ દિવસમાં ૯૫ હજાર વ્યુઝ મળી ગયા હતાં. આપ પણ અહિ આપેલી લિંક પર આ સ્ટોરી નિહાળી શકો છો. https://fb.watch/38QPxppSUs/

(આલેખન- ભાવેશ કુકડીયા)

(એન્કર- નિલેષ શિશાંગીયા)

(કેમેરામેન- સંદિપ બગથરીયા)

(11:51 am IST)