રાજકોટ
News of Thursday, 23rd January 2020

પ્લાસ્ટીક ભરો ... અમને છોડાવોઃ R.J. આભા સાથે નેતાઓ જેલમાં પુરાયા

મેયર બીનાબેન, મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ દ્વારા 'પ્લાસ્ટીક મુકત રાજકોટ' માટે શહેરીજનોને આહ્રવાન : ૫૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રિત કરી જેલ મુકિતનો અનોખો કાર્યક્રમ યોજતી મહાનગર પાલિકાઃ ૨૫મી સુધી જેલમાં કેદ રહેશે

કિશાનપરા ચોક ખાતે પ્લાસ્ટીક મુકિત માટે આર. જે. આભા દ્વારા જેલમાં કેદ થયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર સહિતના નેતાઓ પણ જેલમાં પુરાયા હતા. તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા.૨૩: રાજય સરકારશ્રી દ્વારા રાજકોટ શહેરમાં રાજય કક્ષાની પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની ઉજવણી અંતર્ગત તા.૨૩ થી તા.૨૫ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ 'પ્લાસ્ટિક ભારત છોડો ' નું આયોજન કરવામાં આવશે. જેમાં આજેઙ્ગ સવારે ૧૦:૦૦ વાગ્યે કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવેલ છે અને 'માય એફ.એમ.' ના આર.જે. આભાબેન આ જેલમાં ૭૨ કલાક સુધી કેદ થયા છે.

શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે અને ત્યારે આર.જે. આભાબેન જેલમુકત થશે. આજે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, પૂર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પ્લાનીંગ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામી, એસ્ટેટ સમિતિના ચેરમેન  પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દેવુબેન જાદવ, નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર  તેમજ વિવિધ સ્કુલોના છાત્રો અને વિવિધ સંખ્થાના પ્રતીનીધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ પોતાના પ્રત્યાઘાતમાં એમ જણાવ્યું હતું કે, 'પ્લાસ્ટિક છોડો ભારત' નો આ કાર્યક્રમ એકદમ નવો અને લોકોમાં વધુ જાગૃતિ પ્રસરાવે તેવો છે, આ માટે હું સૌને અભિનંદન પાઠવું છુ.

આ કાર્યક્રમને અનુલક્ષીને  મેયરશ્રીએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ બનાવવાની શરૂઆત આપણાથી જ કરીએ, જો શહેર સ્વચ્છ રહેશે તો આપણું દ્યર પણ સ્વચ્છ રહેશે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ નહિ અને જે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવો. પ્લાસ્ટિક મુકત રાજકોટ કરવા માટે આ કાર્યક્રમ થકી એક નવી પહેલ લાવીએ છીએ.

મ્યુનિ. કમિશનરએ સંદેશો આપતા જણાવ્યું હતું કે, શહેરીજનોના સહયોગથી રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવી શકશે, આ શહેરને સ્વચ્છ રાખવાની આપણી સૌની જવાબદારી છે, આજે આ કાર્યક્રમ થકી શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સુધી એક સંદેશ પહોંચશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ જેલની સજા બરાબર છે, તેમ નમ્ર અપીલ છે કે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સૌ સાથે મળીને રાજકોટ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ લાવીએ.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તેવા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકા અને માય.એફ.એમ. ના સંયુંકતે એક વિશિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો તેમજ સ્વામીનારાયણ અને બ્રમ્હાકુમારીઝ જેવી જુદીજુદી સંસ્થાઓ સહભાગી થઇ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી કિશાનપરા ચોક પાસે બનાવવામાં આવેલ જેલ પાસે ભેગો કરીને આર.જે. આભાબેનને મુકત કરશે.

(3:58 pm IST)