રાજકોટ
News of Tuesday, 23rd January 2018

પ્રોફેસર પતિ રક્ષિત રૈયાણીના ત્રાસ સામે ન્યાય ઝંખતી પટેલ મહિલા મુખ્યમંત્રીના બંગલે પહોંચી

અગાઉની અરજીમાં યોગ્ય તપાસ ન થયાનો આક્ષેપઃ પુનમબેન રૈયાણીને મહિલા પોલીસ મથકે લઇ જઇ ફરિયાદ નોંધવા તજવીજ : સિલ્વર પાર્કમાં પતિના ઘર બહાર આખી રાત ધરણા કર્યા

આખી રાત પતિના ઘર બહાર ધરણા કર્યા બાદ સવારે પૂનમબેન પટેલ મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીંથી તેમને મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે લઇ જવાયા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: અમીન માર્ગ પરના સિલ્વર પાર્કમાં રહેતાં અને ક્રાઇસ્ટ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં તેમજ ધાર્મિક સંપ્રદાયોમાં પ્રચારક તરીકે કામ કરતાં રક્ષિત રૈયાણીએ પોતાના લફરાઓને કારણે ઘરમાંથી હાંકી કાઢ્યાના આક્ષેપો સાથે ગઇકાલે બપોરે તેના પત્નિ પૂનમબેન રૈયાણી ઘર બહાર ધરણા પર બેસી ગયા હતાં. આખી રાત ધરણા કર્યા બાદ આજે આજે સવારે આ લેઉવા પટેલ મહિલા અન્ય મદદગાર મહિલાઓને સાથે રાખી મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને રજૂઆત કરવા પહોંચી ગયા હતાં.

ભદ્ર સમાજમાં બનેલી આ ઘટનાની તસ્વીરો ગઇકાલે સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ હતી. પૂનમબેને આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેના પતિ અન્ય છોકરી સાથેના લફરાને કારણે પોતાને ત્રાસ આપે છે. અગાઉ થયેલી પોલીસ અરજીમાં કોઇ ન્યાય ન મળ્યો હોવાનું પણ તેણીએ જણાવ્યું હતું. દરમિયાન આજે સવારે પૂનમબેન તેના પરિવારજનોને સાથે લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના બંગલે પહોંચી ગયા હતાં. જો કે તેમને ત્યાંથી મહિલા પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યા હતાં અને ફીરયાદ નોંધાવ તજવીજ કરવામાં આવી હતી.

પૂનમબેને જણાવ્યું હતું કે પતિ રક્ષિતના પોતાની સાથે બીજા લગ્ન છે. અગાઉની પત્નિ સાથે વર્ષ ૨૦૧૦માં છુટાછેડા થઇ ગયા હતાં. જેના થકી બાર વર્ષનો એક પુત્ર છે. આ છૂટાછેડાની પ્રકિયા ચાલતી હતી ત્યારે જ રક્ષિતે અન્ય એક યુવતિ સાથે લિવ ઇન રિલેશનશીપ કરી હતી. એ યુવતિ સાથે સગાઇ પણ કરી લીધી હતી. બાદમાં એ સગાઇ તોડી નાંખી હતી અને સાતેક વર્ષ પહેલા પોતાના અને રક્ષિતના આર્યસમાજ વિધીથી લગ્ન થયા છે. જો કે લગ્નના બીજા જ દિવસથી પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું અને મારકુટ કરી હતી. ફરવા જતાં ત્યાં પણ મારકુટ કરી લેતો હતો. પૂનમબેને સસરા વિરૂધ્ધ પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં અને સાસુ હીનાબેન તેમજ નણંદ કિંજલ પણ હેરાન કરતાં હોવાનું કહ્યું હતું.

પૂનમબેને એવો આક્ષેપ પણ કર્યો હતો કે પતિએ હાલમાં પણ એક યુવતિને સર્વિસ કોન્ટ્રાકટથી કામ કાજ માટે ઘરે રાખી છે. એ આવ્યાના થોડા દિવસ પછી પોતાને છુટાછેડાની નોટીસ આપી હતી અને માર મારીને કાઢી મુકતાં મહિલા પોલીસમાં અરજી આપી હતી. પતિ હાલમાં જે યુવતિને ઘરે લાવ્યો છે એ યુવતિ અગાઉ પતિ સાથે સત્સંગમાં આવતી હતી. પોતાને થયેલા અન્યાય સામે લડત શરૂ કરતાં અન્ય સત્સંગી મહિલાઓ પણ તેને સાથે આપી રહી છે.

પૂનમબેને કહ્યું હતું કે ગઇકાલે પોતે પતિ-સાસરિયાના ઘરે આવતાં ઘરમાં ન જવા દેતાં ઘર બહાર ધરણા શરૂ કર્યા હતાં. આજે સવારે પોતે અન્ય મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને રજૂઆત કરી હતી. જો કે એ વખતે પોલીસ આવી હતી અને પોતાને મહિલા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતાં. પૂનમબેને પોલીસ કમિશ્નરને પણ અરજી કરી છે. (૧૪.૧૧)

(2:21 pm IST)