રાજકોટ
News of Tuesday, 22nd November 2022

યુનિવર્સિટી રોડ પોસ્‍ટ ઓફીસમાં ચોરી કરનારા ચાર રીઢા ચોર પકડાયા

હેડ કોન્‍સ સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ ગોપાલસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારભાઇ કુંભારવાડીયાની બાતમીઃ પ્રવિણ, વિજય તાલુકા પોલીસમાં ૧૫ લાખની ચોરીમાં અને સુમારશા રીક્ષામાં મુસાફરોના પેસા સેરવતો, બી ડીવીઝન પોલીસમાં ઝડપાયો હતો

રાજકોટ, તા.૨૨: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી પોસ્‍ટ ઓફીસમાં એક મહિના પહેલા થયેલી ચોરીનો યુનિવર્સિટી પોલીસે ભેદ ઉકેલી ચાર રીઢા તસ્‍કરોને પુષ્‍કરધામ રોડ શાક માર્કેટ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પ્રેમ મંદિર નજીક આવેલી પોસ્‍ટ ઓફીસમાં ચોરી કરનારા શખ્‍સો પુષ્‍કરધામ મેઇન રોડ પર હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ ગોપાલસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા પુષ્‍કરધામ મેઇન રોડ પર શાક માર્કેટ પાસેથી પ્રવીણ જેન્‍તીભાઇ રેવર (ઉ.વ.૨૪) રહે. કાલાવડ રોડ પર જય ભીમનગર શેરી નં.૬) વિજય ત્રીભોવનભાઇ સોલંકી (ઉ.વ.૨૦) (રહે.અવધનો ઢાળ આંબેડકરનગર આવાસ યોજના કવાર્ટર એ વીંગ કવાર્ટર નં.૩૦૮) પ્રકાશ સવજીભાઇ રામાણી (ઉ.વ.૪૯) (રહે.ગાંધીગ્રામ જીવંતીકાનગર સોસાયટી શેરી નં.૧/એ) અને દૂધસાગર રોડ પર મનોહર સોસાયટી શેરી નં.૬ના સુમારશા ફેઝ મહંમદશા શાહમદાર (ઉ.વ.૨૩)ને પકડી લીધા હતા. ચારેયની પુછપરછમાં ચારેયનો પોસ્‍ટ ઓફીસમાં રોકડ રકમની ચોરી કરવાનો ઇરાદો હતો. પરંતુ તીજોરી ન તુટતા તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તીજોરી વજનદાર હોવાથી ઉઠાવી શકયા ન હતા. પ્રવિણ રેવર કેટરીંગનો ધંધો કરે છે, વિજય વેપાર તથા પ્રકાશ અને સુમારશા ડ્રાઇવીંગ કરે છે પ્રવિણ રેવર અને વિજય સોલંકી અગાઉ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ૧૧ લાખની ચોરીમાં અને સુમારશા શાહમદાર રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી પૈસા સેરવી લેવાના ગુનામાં બી ડીવીઝન પોલીસમાં પકડાઇ ચુકયો છે.

 આ કામગીરી પી.આઇ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.બી.વી.ઝાલા, હેડ કોન્‍સ મહિપાલસિંહ જાડેજા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, કોન્‍સ વનરાજભાઇ લાવડીયા, બલભદ્રસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, ભુપેન્‍દ્રસિંહ વાઘેલા, યોગરાજસિંહ ગોહિલ અને મેહુલસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:13 pm IST)