રાજકોટ
News of Monday, 22nd November 2021

ટ્રાફીકજામની સમસ્યા દુર કરવામાં તંત્ર સતત નિષ્ફળ

લક્ષ્મીનગર બ્રીજનું કામ પુર્ણ કરી દેવાના માત્ર દાવાઃ પણ લોકાર્પણ કયારે?

બ્રીજનું માત્ર ર૦ ટકા કામ છેલ્લા ૧ાા મહિનાથી પુરૂ થતુ જ નથીઃ પ્રજા વિના કારણે હેરાનગતી ભોગવે છે

રાજકોટ, તા., રરઃ શહેરની ચારેય બાજુએ એક સાથે ઓવર બ્રીજ-અન્ડરબ્રીજનું કામ ચાલુ હોઇ પ્રવેશ દ્વાર સમા બધા જ રસ્તાઓ બંધ છે. જેના કારણે શહેરમાં ટ્રાફીક જામની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે ત્યારે લક્ષ્મીનગર અંડરબ્રીજનું કામ હવે પુર્ણતાના આરે હોવા છતા આ બ્રીજને વહેલી તકે ખુલ્લો મુકી ટ્રાફીકની સમસ્યા હળવી કરવામાં તંત્રવાહકોને કોઇ રસ નહી હોવાનું ફલીત થઇ રહયું છે.

કેમ કે છેલ્લા બે મહીનાથી મેયર-કમિશ્નર સહીતનાં અધિકારીઓ-પદાધિકારીઓ બ્રીજની મુલાકાત લઇ કામગીરી ગતીમાં છેે તેવું જાહેર કરી રહયા છે.

પરંતુ આ બ્રિજનું લોકાર્પણ કરી અને તેને ચાલુ કયારે કરવામાં આવશે તે હજુ સુધી કોઇ ખોખારો ખાઇને કહી શકતુ નથી.

નોંધનીય છે કે, લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું કામ હવે માત્ર ર૦% જેટલુ જ બાકી છે તેવુ છેલ્લા ૧ મહીનાથી મ.ન.પા.નાં તંત્ર વાહકો જાહેર કરી રહ્યા છે. પરંતુ તે વહેલુ પુર્ણ કરાવી લોકો માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરવાની હિંમત હજુ સુધી કોઇએ દાખવી નથી.

 શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા લક્ષ્મીનગર નાલાની બાજુમાં

બની રહેલ અંડર બ્રિજનું કામ કાચબા ગતીએ ચાલતુ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ પ્રોજેકટની પૂર્ણ કરવાની તારીખ ઓગસ્ટ ૨૦૨૧નક્કિ કરવામાં આવી હતી પરંતુ  નવેમ્બર મહીનો પુરો થવામાં છે છતાં બ્રીજનું કામ કયાંક ગોટે ચડી ગયું છે. જેના કારણે તંત્ર વાહકોએ અગાઉ જાહેર કર્યા મુજબ  ઓગષ્ટ પછી પણ બ્રીજ ખુલ્લો નથી મુકી શકાયો. આમ હવે લોકાર્પણ કયારે થશે. ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

(4:37 pm IST)