રાજકોટ
News of Friday, 22nd November 2019

અભિનય કરણી વિદ્યા છે જેમ કરશો તેમ ખીલશો : સંજય ગોરડીયા

નાટક , ફિલ્મ, સીરીયલોમાં કોમેડી અભિનય ક્ષેત્રને આત્મસાત કરનાર સંજયભાઇ પ્રવાસના પણ ભારે શોખીન : અનેક દેશો ઘુમી વળ્યા છે : થીએટરના કલાકાર થવુ હોય તો વાંચનને પ્રાધાન્ય આપવા શીખ : ૨૯ મીએ 'બૈરાઓનો બાહુબલી' નાટકનો વધુ એક શો

રાજકોટ તા. ૨૨ : 'એકટીંગ એક કસબ છે, આને કરણી વિદ્યા પણ કહી શકાય, જેમ અભિનય કરશો તેમ આ કલા વધુ ખિલે છે' તેમ આજે 'અકિલા' ના મહેમાન બનેલા જાણીતા નાટય અદાકાર અને પ્રોડયુસર સંજય ગોરડીયાએ જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે આમ તો હું કોમેડી જગતનો માણસ છુ. ભગવાને મને ચહેરો, ફીગર, અવાજ બધુ જ એવા આપ્યા છે કે લોકો મારા સંપર્કમાં આવતા જ હસી પડે છે. મારી ખુદની પ્રકૃતિ પણ એવી છે કે મને કોમેડી વધુ સુટ થાય છે. એટલે એમ જ કહોને કે મને પોતાને કોમેડી અભિનય ખુબ ગમે છે અને હું દીલથી આ કલાને લોકો સમક્ષ મુકતો આવ્યો છુ.

મુળ વતન ઉના દેલવાડા છે. પરંતુ જન્મભુમિ અને કર્મ ભુમિ મુંબઇ છે. ફકત ૨૦ વર્ષની ઉંમરે બેક સ્ટેજનું કામ આરંભ્યુ અને ધીરે ધીરે અભિનય અને સાથે લેખન તેમજ પ્રોડયુસર તરીકેનું પાસુ પણ અજમાવ્યુ છે.

૪૦ વર્ષથી આ ક્ષેત્રમાં છુ. જેમાં નાટક મારા માટે મહત્વના બની રહ્યા છે. અત્યાર સુધીમાં ચુનંદા કહી શકાય તેવા ૩૭ નાટકોમાં અભિનય આપી ચુકયો છુ અને ૯૭ નાટકોમાં પ્રોડયુસરની સેવા આપી છે. નાટકની દુનિયામાં સૌથી પહેલુ વખણાયેલુ મારૂ નાટક 'છગન મગન તારા છાપરે લગન' હતુ. ત્યાર પછીતો અનેક નાટકો આવ્યા.

એમ તો ફિલ્મોમાં પણ અદાકારી અજમાવી છે. ગુજરાતી ફિલ્મ 'વેન્ટીલેટર તેમજ હિન્દી ફિલ્મો અમીરખાન અને અજય દેવગણની 'ઇશ્ક', અજય અને શૈફની 'કચ્ચે ધાગે', સંજય દત્તની 'ખલનાયક' અનીલ કપુરની 'રામ લખન' મે કરી છે. હાલમાં બે  ફિલ્મો કરી તેમાં 'છીછોરે' અને 'મેડ ઇન ચાઇના' અત્યારે ધુમ મચાવી રહી છે.

મારા ફેવરીટ નાટકોમાં 'પરણેલા છો તો હિમ્મત રાખો', 'બાને ઘેર બાબો આવ્યો', 'છેલ છબીલો ગુજરાતી', 'મારી વાઇફ મેરીકોમ', 'સુંદર બે બાઇડીવાળો'  સહીતના શ્રેણીબધ્ધ નાટકોનો સમાવેશ થાય છે. ડાયલોગ્સની વાત કરીએ તો  'છેલ છબીલો ગુજરાતી' નાટકનો ઉંધીયુવાળો ડાયલોગ તેમજ 'બાને ઘેર બાબો આવ્યો' નો ત્રણ રોકેટવાળો ડાયલોગ ખુબ લોકહૈયે ચડી ગયેલ.

અહીં સંજય ગોરડીયાએ આ ક્ષેત્રે પ્રવેશ કરનારાઓને શીખ આપતા જણાવેલ કે જો તમારે અભિનય ક્ષેત્રે આગળ વધવુ હોય તો વાંચનનો મહાવરો રાખવો પડે. કેમ કે વાંચનથી બુધ્ધિ પ્રતિભા ખીલે છે. લાગણીને શબ્દોમાં ઢાળતા આવડી જાય છે. એટલે સ્ટેજ સંભાળવા માટે વાંચન ખુબ જરૂરી છે. કેમ કે અભિનય બુધ્ધિથી થતો હોય છે. બીજી વાત એ કે તમારે આ ક્ષેત્રમાં આવવુ જ છે તો નાટકો જોતા રહો, એકાંકી સ્પર્ધાઓમાં ભાગ લ્યો. નાટક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મારૂ કહેવાનું જીતો એમ નથી. બસ ભાગ લ્યે. હાર જીત તો ગૌણ છે. પણ આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા રહેવાથી ઘણુ શીખવા મળશે એ વાત ચોકકસ છે.

નાટકની દુનિયાને એક બાજુ મુકીએ તો એ સિવાય કયા શોખ? એવા સવાલના જવાબમાં તેઓએ હસતા હસતા કહેલ કે મને ખાવાનો બહુ શોખ છે. એમાય ગુજરાતી ઉંધીયુ તો મારૂ પ્રિય છે. હું સુરત અને સૌરાષ્ટ્ર આવુ એટલે ઉંધીયુ જમ્યા વગર પાછો ન જાવ. જો કે ગઇ કાલે રાજકોટમાં મેં પહેલી જ વાર ઘુટોનો ટેસ્ટ કર્યો.

બીજો શોખ પ્રવાસનો છે. માત્ર દેશમાં જ નહીં વિદેશોની ધરતી પણ ધમરોળી લીધી છે. અમેરીકાનો ૧૨ પ્રવાસ કર્યો છે. ઉપરાંત ઓસ્ટ્રેલીયા, કેનેડા, સીંગાપોર, દુબઇ, મસ્કત સહીતના દેશોમાં ફરી લીધુ છે.

ગઇ કાલે રાજકોટમાં 'બૈરાઓનો બાહુબલી' નાટક શો કર્યો હતો. ફરી બીજી વખત તા. ૨૯ ના આ જ નાટક શો નું રાજકોટમાં આયોજન હેમુ ગઢવી હોલમાં થયુ છે.

ખાસ કરીને બધા લોકો નાટક જોતા રહે અને બાળકોને પણ પારિવારીક વિષયોને લઇને આવતા નાટકો બતાવતા રહો તેમ મુલાકાતના અંતમાં સંજયભાઇ ગોરડીયાએ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંજય ગોરવાડીયા અને બાજુમાં દિનેશ વિરાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:55 pm IST)