રાજકોટ
News of Friday, 22nd November 2019

કારની દુર્ગંધ દૂર કરવા એડવોકેટે એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી ૭ લાખની કાર ગઠીયો હંકારી ગયો

લગ્નમાંથી પરત આવતા કાર ગાયબ હતીઃ એડવોકેટ જયંતીલાલ જગોદણાની ફરિયાદ

રાજકોટ તા. રરઃ શહેરના કાલાવડ રોડ પર રામ પાર્ક મેઇન રોડ પર તુલસીપત્ર એપાર્ટમેન્ટ પાસે કારમાં દુર્ગંધ આવતી હોઇ તે દૂર કરવા માટે એડવોકેટે પાર્ક કરેલી કાર કોઇ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ રામપાર્ક મેઇન રોડ સ્વીમીંગ પુલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧ માં રહેતા એડવોકેટ જયંતીલાલ નરભેરામભાઇ જગોદણા (ઉ.વ. ૪ર) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા પોતે પરિવાર સાથે લગ્નમાં જવા માટે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવીને પોતાની જીજે-૩-એફ.કે.-૩૩૮૪ નંબરની કારનો લોક ખોલી બેઠા પરંતુ કારમાં દુર્ગંધ આવતી હોઇ, તેથી કારમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે પોતે કારને એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાંથી બહાર કાઢી બાજુ આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મિત્રની કારમાં બેસી પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. બપોરે લગ્નમાંથી પરત આવ્યા ત્યારે કાર જોવા ન મળતા પોતે આસપાસ તપાસ કરતા કારનો કોઇ પત્તો ન લાગતા પોતાની સાત લાખની કિંમતની કાર કોઇ ચોરી ગયું હોવાની ખબર પડી હતી. બાદ પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી. જે. ગોહેલે તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)