મવડી પ્લોટના કરણ રાઠોડને પાળ ગામની સીમમાં વાડીમાં થાંભલે બાંધી ફટકારાયો!
૧૫ વર્ષનો કરણ અને મિત્ર સહદેવ કબૂતર રમાડવા વાડીમાં જતાં ચોરીનો આરોપ મુકી ધોલધપાટ થયાની લોધીકા પોલીસમાં ફરિયાદ
રાજકોટ તા. ૨૨: મવડી પ્લોટમાં ૪૦ ફુટ રોડ પર પ્રિયદર્શન સોસાયટી-૧માં રહેતાં કરણ જયેશભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.૧૫)ને સાંજે ચારેક વાગ્યે પાળના રસ્તે મેલડી માતાજીના મંદિર નજીક આવેલી વાડીમાં ગયો ત્યારે વાડી માલિક દિલીપ, રાજુ અને બીજા એક શખ્સે મળી પ્લાસ્ટીકની નળીના કટકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં લોધીકા પોલીસે ગુનો નોંધ્યો છે. તરૂણને થાંભલે બાંધીને માર મારવામાં આવ્યાનો આરોપ તેણા માતાએ કર્યો છે.
કરણના પિતા હયાત નથી. તેના માતા આશાબેન જયેશભાઇ રાઠોડ (ઉ.૩૫)ની પોલીસે ફરિયાદ નોંધી છે. આશાબેનના કહેવા મુજબ મારો પુત્ર કરણ અને તેનો મિત્ર સહદેવ (ઉ.૧૬) સાઇકલ લઇને જખરા પીર મંદિરે દર્શને ગયા હતાં. પાછા આવતી વખતે વાડીમાં કબૂતરો ઉડતાં હોઇ બંને કબૂતર રમાડવા જતાં વાડીવાળાએ તમે ચોરી કરવા આવ્યા છો તેમ કહી મારા પુત્રને પકડી લીધો હતો. સહદેવ ત્યાંથી નીકળી ગયો હતો.
એ પછી મારા દિકરાએ રડતાં રડતાં મને ફોન કરતાં હું ત્યાં વાડીએ ગઇ હતી. પુત્રએ મને કહ્યું હતું કે તેના પર ચોરી કરવા આવ્યાનો આરોપ મુકી થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો છે. એ પછી હું તેને હોસ્પિટલે લઇ ગઇ હતી અને ફરિયાદ કરી હતી.