રાજકોટ
News of Thursday, 22nd November 2018

સામાકાંઠાની સૂચિત સોસાયટીઓમાં ૧પ પ્લીન્થ-૮ મકાનોનો કડૂસલો

વોર્ડ નં. ૪ માં પંચરત્ન સોસાયટી અને લાલપરી નદી કાંઠે રિધ્ધી-સિધ્ધી સોસાયટીએ ટાઉન પ્લાનીંગ વિભાગ બુલડોઝર ફેરવાયું: વોર્ડ નં. ૧૮ નાં લાલપાર્ક ચોકમાં કોર્પોરેશનનાં પ્લોટમાંથી ગેરકાયદે દિવાલ તોડી પડાઇઃ માથાકૂટ-રકઝકના દ્રશ્યોઃ ૮૦ લાખની જમીન ખુલ્લી કરાવાઇ

આજે સવારે મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે સામા કાંઠા વિસ્તારમાં સૂચિત સોસાયટીઓના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી કડુસલો બોલાવી દીધો હતો તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. આજે સવારે મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે સામા કાંઠા વિસ્તારમાં સૂચિત સોસાયટીઓ તથા કોર્પોરેશનના માલિકીના પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામોના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું. જેમા કુલ ૧૫ જેટલા પ્લીન્થ લેવલના બાંધકામો તથા ૮ પાકા મકાનોના બાંધકામો અને ૧ ગેરકાયદે દિવાલનું બાંધકામ તોડી પાડી કુલ રૂ. ૮૦ લાખની ૨૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની સૂચનાથી ટીપીઓ એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે સામાકાંઠાના વોર્ડ નં. ૪ અને ૧૮માં ગેરકાયદે બાંધકામો દૂર કરવા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ ડીમોલીશન દરમિયાન વોર્ડ નં. ૧૮માં ઢેબર રોડ સાઉથમાં ટીપી સ્કીમ નં. ૧૦માં અંતિમ ખંડ નં. ૮૯નો રહેણાંક હેતુ વેચાણના પ્લોટમાં ચણતર કરાયેલ ગેરકાયદે દિવાલને તોડી પાડવામાં આવી હતી. તેવી જ રીતે વોર્ડ નં. ૪માં પંચરત્ન સૂચીત સોસાયટી શેરી નં. ૪ માંથી ૩ પાકા મકાનો અને શેરી નં. ૩માંથી બે પાકા મકાનો સહિત કુલ પાંચ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. આ ઉપરાંત વોર્ડ નં. ૪માં જ અમદાવાદ હાઈવે ઉપર લાલપરી નદીના કાંઠે રિદ્ધિ સિદ્ધિ સૂચીત સોસાયટીમાથી લીંટલ લેવલ સુધીના ૩ પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા તેમજ આ જ વિસ્તારમાં અન્ય ૧૫ જેટલા પ્લીન્થ લેવલના બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આમ આજના આ ડીમોલીશન દરમિયાન કુલ ૮૦ લાખની ૨૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ઉપરોકત ડીમોલીશનની કાર્યવાહીમાં ઈસ્ટ ઝોન ટી.પી. શાખાના આસિ. ટાઉનપ્લાનર જે.જે. પંડયા, એ.એમ. વેગડ, જી.વી. જોષી તથા જગ્યા રોકાણના કર્મચારીઓ જોડાયા હતા. ડીમોલીશન દરમિયાન કેટલાક સ્થળોએ અધિકારીઓ અને અસરગ્રસ્તો વચ્ચે માથાકુટ અને રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. જો કે વિજીલન્સ પોલીસના ચૂસ્ત બંદોબસ્તના કારણે ડીમોલીશનની કાર્યવાહી શાંતિપૂર્વક પૂર્ણ થયાનું ટી.પી. વિભાગની યાદીમાં જણાવાયુ છે.

(4:16 pm IST)