રાજકોટ
News of Friday, 22nd October 2021

ડ્રગ્સના રવાડે ચડેલો જે ક્રિકેટર ગૂમ થયાની જાણ કરાઇ હતી તે પૂર્વ પત્નિ સાથે હોટેલમાં ડ્રગ્સ લેતો મળી આવ્યો!

મહિલાએ પોતાના પુત્રને નશાની લત્ત લગાડનારાના નામ આપ્યા હોવા છતાં પોલીસે કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ કર્યો હતોઃ જો કે અરજી પરથી તુરત જ તપાસ કરી હતી અને જેતે વખતે મહિલા પેડલરને પકડી હતી : આકાશ, અમી અને ઘાંચીવાડના ઇરફાનને શહેર એસઓજીની ટીમે રેસકોર્ષ રીંગ રોડની હોટેલના રૂમમાંથી પકડ્યાઃ ઇન્જેકશનમાં ભરેલુ પ્રવાહી એમડી હોવાની દ્રઢ શંકાઃ પરિક્ષણ માટે ગાંધીનગર લેબમાં મોકલાયું : આકાશ અને અમીએ ૩ વર્ષ પહેલા લગ્ન કર્યાઃ દસ દિવસમાં જ છુટાછેડા લીધા, ફરી લગ્ન કર્યા ફરી ૨૦૨૦માં છુટાછેડા લીધાઃ મિત્ર ઇરફાનને કારણે ડ્રગ સેવનના રવાડે ચડ્યા : આકાશને વ્યાજે નાણા આપી ધમકી દેનાર રામદેવસિંહની પણ પુછતાછ : આકાશના પિતા મનોજભાઇ ઘર છોડી દિલ્હી રહે છેઃ તે અગાઉ જાતે સળગતાં હાથમાં દાઝી ગયા'તા : પોલીસ આકાશ અને અમીને ડ્રગની લત્ત છોડાવવા કાઉન્સેલીંગ કરાવી રિહેબીલીટેશનમાં મોકલશે

રાજકોટ તા. ૨૨: શહેરમાં રહેતાં એક મહિલાએ પોતાનો ક્રિકેટર પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયાની તેમજ તે રાતે નશો કરી મોડો ઘરે આવતો હોઇ અને દેણામાં પણ આવી ગયો હોઇ તેમજ કામ ધંધો કરતો ન હોવાથી ઘરમાં બોલાચાલી થતી હોઇ તેના કારણે પરમ દિવસે સવારે તે ઘરમાં એક ચિઠ્ઠી મુકીને જતો રહ્યો હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે એસઓજી અને ડીસીબીની સાત ટીમો ગૂમ યુવાનને શોધવા કામે લાગી હતી. અંતે આ યુવાનને મોડી રાતે રેસકોર્ષ રીંગ રોડ પરની હોટેલના એક રૂમમાંથી તેની પૂર્વ પત્નિ અને ઘાંચીવાડના મુસ્લિમ શખ્સ સાથે શોધી કાઢવામાં આવ્યો છે. રૂમમાંથી ઇન્જેકશન મળ્યા હોઇ તેમાં ડ્રગ હોવાનું અને ત્રણેયએ નશોક ર્યાનું જણાવતાં બ્લડ સેમ્પલ લેવાયા છે અને કબ્જે થયેલા મુદ્દામાલને એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાયો છે.

જાણવા મળ્યા મુજબ ગોંડ રોડ પર ડી માર્ટ પાસે રહેતાં અલ્કાબેન મનોજભાઇ અંબાસણાએ ગઇકાલે ઇલેકટ્રોનિક મિડીયા સમક્ષ રજૂઆત કરી હતી કે તેનો પુત્ર આકાશ અને પુત્રવધૂ અમી ડ્રગની ચંગુલમાં ફસાઇ ગયા છે અને આ કારણે કેટલાક લોકોના પ્રેશરમાં આવી ઘરછોડી ગયા છે. ભુતકાળમાં પણ પોતે આ બાબતે અરજી કરી હતી. પોતાની અને પોતાના પુત્ર-પુત્રવધૂની સુરક્ષાની પણ તેણીએ માંગણી કરી હતી. તેમજ પોતાનો પુત્ર પરમ દિવસે  ઘરે એક ચિઠ્ઠી મુકીને નીકળી ગયાનું પણ જણાવ્યું હતું. આ રજૂઆતને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાને ગંભીરતાથી લીધી હતી અને એસઓજી તથા ડીસીબીની સાત ટીમોને મહિલાના પુત્રને શોધવા કામે લગાડી હતી.

દરમિયાન એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે જે ક્રિકેટર ગૂમ થયાની તેની માતાએ રજૂઆત કરી છે એ પૂર્વ ક્રિકેટર આકાશ અંબાસણા રેસકોર્ષ રીંગ રોડ પર મગનલાલ આઇસ્ક્રીમ પાસે આવેલી શિવ શકિત હોટેલના રૂમમાં રોકાયો છે. આ માહિતીને આધારે ત્યાં ટીમે પહોંચી તપાસ કરતાં રૂમ નં. ૩૦૧માંથી આકાશ મનોજભાઇ અંબાસણા (ઉ.૨૪-રહે. ગોંડલ રોડ, રાધે હાઇટ્સ બ્લોક નં. ૯૦૫, ડી-માર્ટ સામે) તથા અમી દિલીપભાઇ ચોલેરા (ઉ.૨૨-રહે. રાજહંસ એપાર્ટમેન્ટ ત્રીજો માળ, બ્લોક નં. એ-૭, કરણપરા-૧૧/૧૨નો ખુણો) અને ઇરફાન અબ્બાસભાઇ પઠાણ (ઉ.૪૩-રહે. નવી ઘાંચીવાડ શેરી નં. ૨/૭) મળી આવ્યા હતાં.

પોલીસે સામાન ચેક કરતાં ગાદલા ઉપરથી ત્રણ ઇન્જેકશન મળી આવ્યા હતાં. જેમાં એક ખાલી હતું. એકમાં થોડુ પ્રવાહી ભરેલુ હતું અને એક આખુ ભરેલુ હતું. આ ત્રણેયને પુછતાં તેમાં એમડી ડ્રગ હોવાનું કહ્યુ઼ હતું.  તેમજ આ ઇન્જેક્ષનથી તેઓ નશો કરતાં હોવાનું પણ કબુલ્યું હતું. આથી પોલીસે ત્રણેય રૂમમાંથી મળ્યાની ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવી હતી. તેમજ બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતાં. આ ઇન્જેકશન અંદરના પદાર્થને ગાંધીનગર એફએસએલમં ચકાસણી માટે મોકલ્યો છે. હાલમાં ત્રણેયની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. તેઓ નશાકારક પદાર્થ કોની પાસેથી લાવ્યા? એ સહિતની વિગતો મેળવાઇ રહી છે. તેમજ આકાશ અને અમીને યોગ્ય કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કરાવવાની અને ડ્રગની લત્ત છોડાવવા રીહેબીલીટેશનમાં મોકલવાની તજવીજ પણ કરવામાં આવી છે. તેમજ ગૂમ થયેલો આકાશ મળી ગયાની તેના માતાને પણ જાણ કરાઇ છે. આકાશે અગાઉ અમી સાથે લવમેરેજ કર્યા હતાં. પછી છુટાછેડા લીધા હતાં. ફરી સાથે રહેતાં હતાં અને ફરી છુટા પડ્યા હતાં. હવે લગ્ન વગર સાથે રહે છે.

અલ્કાબેને અગાઉ પોતાના પુત્રને ડ્રગ્સના રવાડે ચડાવનારા પેડલરના નામ જોગ પોલીસને અરજી કરીહતી. પરંતુ આમ છતાં કોઇ કાર્યવાહી પોલીસ તરફથી થઇ ન હોવાનો આક્ષેપ કર્યા હતો. જો કે  જે તે વખતે જેનું નામ અરજીમાં હતું તે  રૈયાધારની સુધા ધામેલીયાને સદર બજાર ખાટકીવાસમાંથી એસઓજીના મહિલા કોન્સ્ટેબલ બહેનોએ ફિલ્મી ઢબે પીછો કરીને પકડી લીધી હતી. તેણી જે તે વખતે જેલહવાલે પણ થઇ હતી.  આ સ્પષ્ટતા એસઓજી પીઆઇશ્રી આર. વાય. રાવલે કરી હતી. પોલીસ હજુ બીજા પેડલરને પણ શોધી રહી છે. 

પોલીસે વિશેષમાં એવું પણ જણાવ્યું છે કે અરજદાર અલ્કાબેન અને તેમના પતિ મનોજભાઇને ભળતું ન હોઇ હાલ મનોજભાઇ ઘર છોડીને દિલ્હી ખાતે રહે છે. મનોજભાઇએ ૨૦૧૨માં જાત જલાવતાં તે હાથના ભાગે દાઝી પણ ગયા હતાં. તેના પુત્ર આકાશ અને અમીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. પણ દસ દિવસમાં જ છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી ચાર માસ બાદ બંનેએ ફરી લગ્નકર્યા હતાં અને ૨૦૨૦માં ફરીથી છુટાછેડા લીધા હતાં. હાલમાં અમી તેના માતા-પિતા અને મિત્રો સાથે રહે છે. આકાશની પુછતાછમાં એવું જાણવા મળ્યું છે કે ઇરફાન તેનનો મિત્ર છે. તેની સંગતને કારણે પોતે અને અમી એમડી ડ્રગનું સેવન કરવાના રવાડે ચડી ગયા હતાં. આ નશાની ટેવને કારણે જ તેના અને અમી વચ્ચે ઝઘડા થતાં રહે છે.

આકાશે રામદેવસિંહ જાડેજા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં. તે પરત નહિ આપી શકતાં રામદેવસિંહ વ્યાજ સહિત રૂ. ૧૭ હજારની ઉઘરાણી કરી ધમકી આપે છે. આ અંગેની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે અને રામદેવસિંહને પણ પુછતાછ માટે લાવી તપાસ આદરી છે. અરજદાર અલ્કાબેનને પોલીસે દિલાસો આપ્યો છે કે અન્ય કોઇનું પણ પ્રેશર હોય તો તુરત જાણ કરવી જેથી પોલીસ મદદ કરી કાર્યવાહી કરશે.

એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી, ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહરાણા, કિશનભાઇ આહિર, અઝહરૂદ્દીન બુખારી, અનિલસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ, સિરાજભાઇ ચાનીયા, શાંતુબેન મુળીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(4:05 pm IST)