રાજકોટ-મોરબી હાઇવે પર ત્રણ બાઇકસ્વારોના જોખમી સ્ટંટ
સોશિયલ મિડીયામાં વિડીયો થયો વાયરલ
રાજકોટઃ શહેરમાં કેટલાક બાઇક ચાલકો અવાર-નવાર શહેરની ભાગોળે જોખમી રેસ લગાવતાં હોય છે. દરમિયાન આજે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ત્રણ શખ્સ અલગ અલગ બાઇક પર હાઇવે પર રાત્રીના સમયે ધૂમ સ્પીડથી બાઇક હંકારી સ્ટંટ કરતાં જોવા મળી રહ્યા છે. બંબાટ સ્પીડથી ચાલતાં બાઇક પર તેના ચાલકો સુતા હોય તેવા સ્ટંટ જોવા મળી રહ્યા છે. આ વિડીયો રાત્રીના સમયનો અને રાજકોટ-મોરબી હાઇવે પરનો હોવાનું કહેવાયું છે. એક પાછળ એક બાઇક નીકળે છે અને આગળ જઇ રહેલા ટ્રક તથા કારની વચ્ચેથી અત્યંત જોખમી રીતે પસાર થઇ જાય છે. આગળ આ ત્રણેય મોરબી રોડ રતનપર પાસે હોલ્ટ થયાનું પણ કહેવાય છે. વાયરલ થયેલો વિડીયો ખરેખર રાજકોટ-મોરબી રોડનો જ છે કે કેમ? તે સ્પષ્ટ થયું નથી. પોલીસ સુધી હજુ આવી કોઇ ફરિયાદ પહોંચી નથી.