વહૂના ત્રાસથી કંટાળી ૭૮ વર્ષના કાંતાબેન પટેલે પુત્ર જીતેન્દ્ર સાથે મળી ફિનાઇલ પીધું
ગાંધી સ્મૃતિ સોસાયટીનો બનાવઃ જીતેન્દ્ર પટેલે ત્રણ વર્ષ પહેલા બેડીની નયના સાથે લવમેરેજ કર્યા છેઃ નાની નાની વાતે નયના સતત ત્રાસ ગુજરાતી હોવાનો આક્ષેપ
રાજકોટ તા. ૨૧: સામા કાંઠે પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી-૧માં રહેતાં કાંતાબેન લાલજીભાઇ સેરસીયા (કડવા પટેલ) (ઉ.વ.૭૮) નામના વૃધ્ધાએ પુત્ર જીતેન્દ્ર લાલજીભાઇ સેરસીયા (ઉ.વ.૩૫) સાથે મળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં બંને મા-દિકરાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુત્રવધૂ નયનાનો અનહદ ત્રાસ હોવાનો આક્ષેપ કાંતાબેને કર્યો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. જીતેન્દ્રએ કહ્યું હતું કે પોતે ઇમિટેશનનું કામ કરે છે. તેણે ત્રણ વર્ષ અગાઉ પડોશમાં રહેતી નયના કનુભાઇ રજપૂત સાથે પ્રેમ થઇ જતાં લવમેરેજ કર્યા હતાં. નયનાના અગાઉ પણ એક લગ્ન થયા હતાં અને છુટુ થઇ ગયું હતું. પત્નિ નયના અવાર-નવાર નાની નાની વાતે સતત ઘરમાં ત્રાસ ગુજરાતી હોઇ અને ખોટી પોલીસ ફરિયાદો કરતી રહેતી હોઇ તેમજ પોતાના માતાને મારકુટ પણ કરી લેતી હોઇ કંટાળીને પોતે અને માતાએ આ પગલુ ભર્યુ હતું. આક્ષેપો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.