રાજકોટ
News of Thursday, 21st October 2021

બસ બહુ થયુ : પ્રજાને હવે વધુ દંડ નહી : પુષ્કર પટેલ

પાર્કિંગ ચાર્જની નવી પોલિસીનો છેદ ઉડાવતી સ્ટેન્ડીંગ

જાહેર રસ્તામાં જરૂર પડે તો જ નવા પાર્કિંગ ઝોન બનશે અને તેનો ચાર્જ : પણ રૂ. ૧ થી ૧૨૦ જ લેવાશે : માસિક પાર્કિંગ પરમિટના રૂ. ૩૫૦થી : રૂ. ૧૨૦૦ લેવાશે : કમિશનરે સુચવેલી પાર્કિંગ પોલીસીમાં ધરખમ ફેરફારો

રાજકોટ તા. ૨૦ : મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમિટિએ જાહેર રોડ પર વાહન પાર્કિંગ ચાર્જીંગ વસુલવા માટે પોલીસી નક્કી કરવા મ્યુ. કમિશનરે કરેલી દરખાસ્તમાં ધરખમ ફેરફારો કરી અને નવા કોઇ પાર્કિંગ ઝોન બનાવવા કે નવા પાર્કિંગ ચાર્જ અમલી બનાવવાની બાબત ઉપર ચોકડી મારી દીધી છે અને પાર્કિંગની પોલીસી મોટા ભાગે હાલમાં જે છે તે મુજબની જ રાખવાનું મંજુર કર્યું છે.

આ બાબતે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતું કે, અમદાવાદ - સુરત જેવા શહેરોની જેમ રાજકોટમાં પાર્કિંગ પરમિશન ચાર્જ વસુલવાની દરખાસ્ત હતી પરંતુ રાજકોટમાં પ્રિમીયમ અને નોનપ્રિમીયમ એરિયા મુજબ પાર્કિંગ ચાર્જ વસુલવાનું હાલ તુરંત યોગ્ય નથી. કેમકે હાલમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા ચાલુ જ છે તે મુજબ જ દરેક વિસ્તારો માટેના જે દર છે તે જ રાખવા યોગ્ય છે. નવો કોઇ વધારાનો ચાર્જ કે દંડ વસુલવાનું સ્ટેન્ડીંગ કમિટિએ નામંજુર કરી પ્રજાને રાહત આપી છે. એટલું જ નહી પાર્કિંગના દરોમાં ફેરફાર કે સુધારા - વધારાની આખરી સત્તા સ્ટેન્ડીંગ કમિટિ પાસે જ રખાઇ છે. જેથી પ્રજા પર ખોટો આર્થિક બોજો ન આવે.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અન્ય શહેરોની પાર્કિંગ પોલીસી નો અભ્યાસ તથા અન્ય શહેરમાં તેને લાગુ કર્યા બાદ આવેલ મુશ્કેલીને ધ્યાને લઇ રાજકોટ શહેરની પાર્કિંગ પોલીસીમાં  સૂચવવામાં આવેલ ફેરફારો આ મુજબ છે.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અન્ય શહેરોની પાર્કિંગ પોલીસી નો અભ્યાસ તથા તેને લાગુ કર્યા બાદ આવેલ મુશ્કેલીને ધ્યાને લઇ રાજકોટ શહેરની પાર્કિંગ પોલીસીમાં પાર્કિંગ નાં દર એક સમાન રહે ત માટે હાલ પ્રીમિયમ વિસ્તારો અથવા શેરીઓ અને નોન-પ્રીમીયમ વિસ્તારોની જોગવાઈ અત્રે રજુ કરવામાં આવેલ પાર્કિંગ પોલીસીમાંથી પડતી મુકેલ છે. જેથી સામન્ય જનતાને પ્રીમિયમ વિસ્તારો માટે વધુ પાર્કિંગ ચાર્જે આપવામાંથી મુકિત મળશે.

પાર્કિંગની આવકને નફો અને આવક કમાવવાનું સાધન માનવામાં આવશે નહીં. મહેસૂલ આવકનો ઉપયોગ શહેરના  સ્થાનિક માર્ગ સુધારણા યોજનાઓ માટે સ્થાનિક હિતધારકોની સલાહ-સૂચનો લઈ કામગીરી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ટ્રાફિક,ટ્રાન્સપોર્ટ અને પાર્કિગ મેનેજમેન્ટ શાખા અસ્તિત્વ ધરાવતી હોઈ જેથી હાલ અલગથી ટ્રાફિક સેલ ઉભો કરવાની જરૂરિયાત જણાતી નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ તેની ટ્રાફિક,ટ્રાન્સપોર્ટ અને પાર્કિગ મેનેજમેન્ટ શાખા મારફતે જરૂર જણાયે સરકારશ્રીનાં તમામ વિભોગો સાથે સંકલન કરી કાર્યવાહી કરવાની રહેશે તથા આ પાર્કિંગ સેલમાં શહેરની વિવિધ વિભાગોના અધિકારીઓની ટીમ જેમ કે સિટી ટ્રાફિક પોલીસ, એસ્ટેટ/ટીડીઓ, ટ્રાફિક એન્જિનિયરિંગ, સિટી પ્લાનિંગ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ તમામ સાથે સંકલન કરી પાર્કિંગ પોલીસીની અમલવારી કરવાની રહેશે. આ સેલ ટ્રાફિક એન્જિનિયરિંગ અને શહેરી આયોજનના ક્ષેત્રમાં કોઈપણ નિષ્ણાત અથવા પ્રતિષ્ઠિત વ્યકિતને તેમના મંતવ્યો લેવા માટે સાંકળી શકે છે. વિવિધ સત્ત્।ાવાળાઓ શહેર માટે ટ્રાફિક અને પાર્કિંગ સેલ દ્વારા વિનંતી મુજબ તેમના ખર્ચે પૂરતો સ્ટાફ પૂરો પાડશે.

રાજકોટ શહેર માટે  ગેરકાયદેસર રીતે પાર્ક થતા વાહનો ને ખસેડવાની કામગીરી લગત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહીવટી ગુંચ ન થાય તે અર્થે કોઈ પણ વાહન પર ડાયરેકટ કાર્યવાહી કરવામાં આવશે નહી, તથા તેના માટે કોઈ પણ પ્રકાર ની ફી કે વધારાનો ચાર્જે  અત્રેથી સૂચવવામાં આવતો નથી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂર જણાયે તથા કોઈ પણ સરકારશ્રીની એજન્સીની સૂચન અન્વયે રસ્તાઓને પાર્કિંગ માટે સ્પસ્ટ રીતે સીમાંકન કરશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રુફ  ઓફ પાર્કિંગ ની જોગવાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલીસી કે  જોગવાઈ ને આધીન વિચાર કરવામાં આવશે, હાલ તેનો કોઈ અમલ કરવામાં આવશે નહી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ રાજકોટ નાં મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ કરવા માટે પાર્કિંગ પરમીટની જોગવાઈ નાબુદ કરવામાં આવે છે, જેથી શેહેરીજનો પર કોઈ વધારાનો પાર્કિંગ પરમીટ ચાર્જ નો બોજો નાબુદ કરવામાં આવે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં પાર્કિંગ પ્લોટ પૈકી પાર્કિંગ કરવા માટે માસિક પરમીટ જૂની જોગવાઈ મુજબ ચાલુ રહશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ રસ્તાની માલિકી ધરાવે છે, તેમાં રિક્ષા કે ટેક્ષી પાર્કિંગ નક્કી કરવા માટે શહેરનાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ સાથે સંકલન કરી આવી જગ્યાઓ આવા પાર્કિંગ ની જગ્યાઓ નક્કી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વિભોગો સાથે સંકલન થયા બાદ જરૂરી રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવામાં આવશે જેવા કે સાઈન બોર્ડ, નો-પાર્કિંગ બોર્ડ, રોડ પરનાં માર્કિંગ વિગેરે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ રસ્તાની માલિકી ધરાવે છે જેથી મોટા વાહનો જેવા કે ટ્રક, મેટાડોર જેવા વાહનો માટે શહેરનાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ સાથે સંકલન કરી આવી ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવશે, જરૂરે જણાયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વિભોગો સાથે સંકલન થયા બાદ જરુરી રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવામાં આવશે જેવા કે સાઈન બોર્ડ, નો-પાર્કિંગ બોર્ડ, રોડ પરનાં માર્કિંગ, નો એન્ટ્રી, એન્ટ્રી ફોર હેવી વ્હીકલ વગેરે જેવી સુવિધા.(૨૧.૩૬)

રાજકોટ શહેર માટે અલગ અલગ પાર્કિંગના કલાકના દરો આ મુજબ રહેશે

        ૦ થી ૩ કલાક ૩ થી ૬ કલાક ૬ થી ૯ કલાક ૯ થી ૧૨ કલાક ૧૨ થી ૨૪ કલાક

૨ વ્હીલર     ૫           ૧૦          ૧૫           ૨૦            ૨૫

૩ વ્હીલર    ૧૦          ૧૫          ૨૦           ૨૫            ૩૦

કાર          ૨૦          ૩૦          ૫૦           ૬૦            ૮૦

એલસીવી    ૨૦          ૩૦          ૬૦           ૮૦           ૧૦૦

એચસીવી    ૪૦          ૫૦          ૭૦          ૧૦૦          ૧૨૦

પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા માટે માસિક દરો આ મુજબ રહેશે

વિગત                                          ચાર્જ રૂપિયામાં

૨ વ્હીલર                                           ૩૫૦

મોટર કાર અને ફોર વ્હીલર                  ૬૦૦

બસ, ટ્રક, જેસીબી, મેટાડોર વગેરે          ૧૨૦૦

(3:02 pm IST)