રાજકોટ
News of Thursday, 22nd October 2020

મુસ્લિમ યુવતી નાઝીયા પઠાણ અને તેના મામા નાઝીર પઠાણની ક્રૂર હત્યા : હુમલા વખતે વચ્ચે પડેલા સાસુ ફીરોઝાબેન પણ ઘવાયા : હત્યારો પતિ ઈમરાન ઘેર જઈ બે બાળકો સાથે સળગ્યો : મુસ્લીમ પરિવારમાં હાહાકાર.....

આરોપી ઇમરાન પઠાણની ફાઈલ તસ્વીર તસ્વીર:સંદિપ બગથરીયા

રાજકોટમાં આજે બપોરે ૪:૩૦ વાગ્યા આસપાસ રેલ્વે સ્ટેશન રોડ પરથી જૂની કલેકટર ઓફીસ તરફ જતાં સાંકડા રસ્તા પર રેલ્વેની ઓફીસર કલબ પાસે નાઝીયા પઠાણ નામની યુવતી અને તેના મામા નઝીર પઠાણને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નખાતા નાસભાગ મચી ગયેલ. આ હુમલા વખતે પુત્રી અને ભાઈને બતાવવા વચ્ચે પડેલા નાઝીયાના માતા ફિરોજાબેનને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલ ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પોલીસ ઈન્સ્પેકટર એલ.એલ. ચાવડાની પ્રાથમિક તપાસમાં ડબલ મર્ડરને અંજામ નાઝીયાના પતિ ઈમરાને આપ્યાનું બહાર આવ્યુ છે. પતિ - પત્નિ વચ્ચેનો ઝઘડો પોલીસ ચોકીએ પહોંચ્યા બાદ ત્યાંથી નીકળેલી નાઝીયા તેના મામા નઝીર પઠાણ અને નાઝીયાના માતા ફિરોઝાબેનને ઈમરાને આંતરી લોહીયાળ હુમલો કરેલ. પત્નિ અને મામાજી સસરાને મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલા ઈમરાનની શોધખોળ બાદ છેલ્લે મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી નાસી છૂટેલા ઈમરાને થોરાળામાં પોતાના ઘરે જઈ બે માસૂમ સંતાનો સાથે સામુહિક આત્મહત્યાની કોશિષ કરતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. પતિ - પત્નિ વચ્ચે બાળકોની કસ્ટડી માટે ચાલતા આ વિવાદમાં અત્યંત અરેરાટીપ્રદ ઘટના બની ગયાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ 'અકિલા'ને જણાવ્યુ હતું.

શહેરના કોઠી કમ્પાઉન્ડ રોડ પર સમી સાંજે ડબલ મર્ડરના બનાવથી સનસનાટી મચી ગઇ છે. કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઇમરાન અલતાફભાઈ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના સાસુ ફિરોઝાબેન નૂરમહમદ પઠાણ (ઉ.૪૫)ને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી અને પોતાની પત્ની નાઝીયા તથા મામાજી નઝીરભાઈ અખ્તરભાઈની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.

આ પછી ઇમરાને ઘરે જઈ પોતાના ૨ પુત્રો અલ્લુ (ઉ.૭) અને ઈકાન (ઉ.૮)ને સાથે રાખી અગ્નિસ્નાન કરી લેતા ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટકેસના મનદુઃખમાં આ હત્યાકાંડ સર્જાયાનું જાણવા મળે છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમ વધુ તપાસ કરે છે.

(7:08 pm IST)