રાજકોટ
News of Tuesday, 22nd October 2019

૨૦૦ ફૂટનું બેનર-એક હજાર લાલ ફુગ્ગાની રેડ રીબીનઃ રંગીલા રાજકોટમાં એઈડ્સ જનજાગૃતિ ફેલાવાશે

એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા રેલી, સેમીનાર, સ્કાય ફલાય રીબીન જેવા વિવિધ કાર્યક્રમઃ આ વર્ષનું લડત સૂત્ર - કોમ્યુનીટી મેક ધ ડિફરન્સ, આગામી ત્રણ હજાર દિવસોમાં ફ્રી એચ.આઈ.વી. વર્લ્ડનુ નિર્માણ કરાશેઃ અરૂણ દવે

રાજકોટ, તા. ૨૨ :. રંગીલા રાજકોટ સાથે સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજામાં એચ.આઈ.વી. એઈડ્સ બાબતે જન જાગૃતિ અને તેના નિયંત્રણને છેલ્લા ૩૨ વર્ષથી સતત અને સક્રિય રીતે કાર્ય કરતી એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા ૧ લી ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વની સાથે નવેમ્બર માસના અંતથી માર્ચ ૨૦૨૦ સુધી વિવિધ ૨૦૦થી વધુ જન જાગૃતિ કાર્યક્રમો યોજીને પ્રજામાં લોક શિક્ષણ કેળવાશે. એઈડ્સ પ્રિવેન્શન કલબના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે કે આ વર્ષે વિવિધ આયોજનોમાં શહેરની ચારેય દિશાઓએ વિશાળ રેડ રીબીન છાત્ર શકિતના માધ્યમથી બનાવાશે. સાથે વિશાળ સંખ્યામાં કોલેજના છાત્રોની રેલી ૧૦૦૦ લાલ ફુગ્ગાની રેડ રીબીન આકાશમાં લહેરાવવામાં આવશે. એઈડ્સ નિયંત્રણ માટે કેંડલ લાઈટ પ્રગટાવાશે.

UNAIDS દ્વારા દર વર્ષે એઈડ્સ નિયંત્રણ માટે લડત સુત્ર આપવામાં આવે છે. જેમા ચાલુ વર્ષનું લડત સૂત્ર કોમ્યુનિટી મેક ધ ડિફરન્સ છે, અર્થાત સમુદાયો તફાવત કરે છે. આ લડત સૂત્રની છત્રછાયા તળે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો યોજવામાં આવશે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી એઈડ્સ કલબ દ્વારા થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દશકાથી સોશ્યલ મિડીયા મારફત ૨૦૦થી વધુ દેશોના વિવિધ ગ્રુપો સાથે સંસ્થા જોડાયેલી છે. જેના કારણે રાજકોટનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયુ છે. સમગ્ર આયોજનમાં સ્વનિર્ભર શાળા એસોસીએશન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શિક્ષણ તાલીમ ભવન, મેડીકલ કોલેજ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા, ન.પ્રા.શિ. સમિતિ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન, જિલ્લા વહીવટી તંત્ર સહિતનો સાથ સહકાર મળેલ છે.

સમગ્ર કાર્યક્રમના આયોજન માટે એઈડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ માટે કાર્યરત એઈડ્સ યુવા ફોજના પ્રોજેકટ ચેરમેન વિશાલ કમાણી સાથે ૧૦૦ યુવાનોની વર્કિંગ કમીટી આયોજન પરત્વે કાર્યરત છે.

સમગ્ર આયોજનમાં જોડાવા માટે એઈડ્સ પ્રિવેન્શન કલબ, રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ ઓફિસ, રાષ્ટ્રીય શાળા મે. રોડ ખાતે સવારે ૧૦-૧૨ વાગ્યા વચ્ચે સંપર્ક કરવો. ચાલુ વર્ષે એઈડ્સ નિયંત્રણના પ્રોજેકટમાં અસુરક્ષિત જાતીય સંબંધો કે જે સૌથી વધુ એઈડ્સ ફેલાવવાનું કારણ છે તેના માટે યુવા જાગૃતિ તથા કોમર્શિયલ સેકસ વર્કરોમા પણ વિશેષ જન જાગૃતિ ફેલાવાશે. આગામી ૩૦૦૦ દિવસોમાં સમગ્ર વિશ્વની સાથે ભારતમાંથી એઈડ્સને નાબુદ કરવાનો સંકલ્પ આ સંસ્થા દ્વારા કરાયેલ છે. જેમાં સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી છે તેવુ ચેરમેન શ્રી અરૂણ દવે (મો. ૯૮૨૫૦ ૭૮૦૦૦) એ જણાવેલ છે.

(4:00 pm IST)