રાજકોટ
News of Tuesday, 22nd October 2019

વોર્ડ નં.૧રમાં ખાનગી કોન્ટ્રાકટરે બે મહિનાથી પગાર નહીં આપતાં સફાઇ કામદારોએ કામગીરી બંધ કરી

પ૦ થી વધુ સફાઇ કામદાર બહેનોએ યતિન વાઘેલાની આગેવાનીમાં ડે. કમિશનરને ઉગ્ર રજુઆતો કરી

રાજકોટ, તા. રર :  શહેરમાં દિવાળી વખતે જ સફાઇની હોળી સર્જાઇ છે કેમકે વોર્ડ નં. ૧રમાં ખાનગી કોન્ટ્રાકટવાળા સફાઇ કામદારોને કોન્ટ્રાકટરે છેલ્લા બે મહિનાથી પગાર નહીં આપતા ૧૦૦ થી વધુ કામદારોએ છેલ્લા બે-ત્રણ દિવસથી સફાઇ બંધ કરી દેતા અનેક વિસ્તારોમાં કચરામાં ગંજ ખડકાયા છે. અને બીજી તરફ આજે ખાનગી કોન્ટ્રાકટરવાળા સફાઇ કામદારોએ પગાર નહીં મળવા બાબતે ડે. કમિશ્નરને ઉગ્ર રજુઆતો કરી હતી.

આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. ૧રમાં અનેક વિસ્તારોમાં ખાનગી કોન્ટ્રાકટરથી સફાઇ કાર્ય થઇ રહ્યું છે. ત્યારે વિજાપુરનો કોન્ટ્રાકટરે ૧૦૦ થી વધુ કામદારોને ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો પગાર આપ્યા વગર દિવાળીના તહેવારો વખતે જ વતનમાં ચાલ્યો ગયો છે.

આથી પગાર વિહોણા સફાઇ કામદારોમાં આ બાબતે રોષ ફેલાયો છે. આ તમામ કામદારોને સફાઇ કામ બંધ કરી અને આજે સવારે સફાઇ કામદાર સમાજનાં અગ્રણી યતિન વાઘેલાની આગેવાનીમાં ડે. મ્યુ. કમિશનર ચેતન નંદાણીને ઉગ્ર રજુઆતો કરી પગાર અપવવા માંગ ઉઠાવી હતી. બીજી તરફ સફાઇનાં કારણે ગંદકીના ગંજ ખડકાતા વોર્ડ નં. ૧રમાં રોગ-ચાળાનો ભય ફેલાયો છે. જેના કારણે નાગરિકોમાં પણ રોષ ફેલાયો છે.

(3:26 pm IST)