રાજકોટ
News of Tuesday, 22nd October 2019

રાજકોટની પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલને ''કાયાકલ્પ એવોર્ડ''

રાજકોટ તા. રરઃ વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦૧૮-ર૦૧૯ અંતર્ગત રાષ્ટ્રીય લેવલે કુલ-૮૩ સરકારી અને ૧૧ ખાનગી સંસ્થાઓ તથા રાજય લેવલે ચાર સરકારી સંસ્થાઓને પસંદ કરવામાં આવેલ. જેમાં દ્વિતીય ક્રમે રાજકોટની પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવેલ છે.

નવી દિલ્હી ખાતે એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોકટર હર્ષવર્ધનના હસ્તે એવોર્ડ પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ વતી ઇન્ચાર્જ અધિક્ષકશ્રી ડો. કેતન જે. પીપલીયા દ્વારા સ્વીકારવામાં આવેલ.

કાયાકલ્પ સ્વચ્છતા ચેકલિસ્ટમાં ત્રણ લેવલની ચકાસણી થાય છે. તેના આધારે એવોર્ડ માટે સંસ્થાની પસંદગી કરવામાં આવે છે.

હોસ્પિટલના તમામ સ્ટાફની શિસ્તપ્રિયતા, કામ પ્રત્યેની ધગશ તથા નિષ્ઠાને કારણે સતત છેલ્લા ચાર વર્ષથી પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળેલ છે.

(3:20 pm IST)