રાજકોટ
News of Tuesday, 22nd October 2019

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૩ લાખ ૪૦ હજારનું વળતર મંજુર

રાજકોટ તા. રરઃ ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને રૂ. ત્રણ લાખ ૪૦ હજારનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેઇસની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ ફરીયાદી ભારતીબેન છગનભાઇ સાકરીયાનાં પતિ પાસેથી રાજકોટમાં રહેતા ત્હોમતદાર અશોકભાઇ લાલજીભાઇ પરમારે મિત્ર સબંધનાં દાવે નવ કિલો ચાંદી ધંધાર્થે લીધેલ અને ફરીયાદીનાં પતિ દુબઇ ગયેલા અને ત્યાં તેઓનું અવશાન થયેલ ત્યારબાદ ત્હોમતદારે ફરીયાદી સાથે ચાંદી કે, ચાંદીની કિંમતની રકમની ચુકવણી પેટે સમજુતી કરાર કરેલ અને સમજુતી કરાર મુજબ ફરીયાદીએ તેઓની બાકી લેણી નીકળતી રકમની ઉઘરાણી કરતા ત્હોમતદારે ફરીયાદીને રૂ. ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરાનો ચેક ફરીયાદીને આપેલ.

ત્યારબાદ ત્હોમતદારે આપેલ ઉપરોકત ચેક ફરીયાદીએ બેન્કમાં નાંખતા સદરહું ચેકનાં નાણા ફરીયાદીને વસુલ મળેલ નહીં અને સદરહું ચેક ''ફન્ડસ ઇન સફીસીયન્ટસ''નાં શેરા સાથે પાછો ફરેલ જેથી ફરીયાદીએ ત્હોમતદારને રજી. એ.ડી.થી નોટીસ આપી ચેકમાં જણાવેલ ફરીયાદીની લેણી રકમ કાયદાકીય સમય મર્યાદામાં ચુકવી આપવા તાકીદ કરેલ જે નોટીસ તહોમતદારને મળી જવા છતાં તહોમતદારે ફરીયાદીની લેણી રકમ વસુલ આપેલ નથી કે વસુલ આપવા કોઇ દરકાર કરેલ નથી અને તેમ કરીને તહોમતદારે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ વિગેરે મુજબ ગંભીર પ્રકારનો ફોજદારી ગુન્હો કરતા ફરીયાદીએ ત્હોમતદાર ઉપર ફરીયાદ દાખલ કરેલ.

ચાલુ ફરીયાદ દરમ્યાન ત્હોમતદારે ફરીયાદીને રૂ. ૬૦,૦૦૦/- વસુલ આપેલ અને ત્યારબાદ બાકીની રકમ ચુકવી આપવા ત્હોમતદારને ફરીયાદીએ તથા નાં. કોર્ટે ઘણો જ સમય આપવા છતાં ત્હોમતદારે ફરીયાદીની લેણી રકમ વસુલ આપેલ નહીં કે, વસુલ આપવા કોઇ દરકાર કરેલ નહીં જેથી સદરહું કેઇસ ચાલી જતાં સદરહું કામમાં પડેલ પુરાવાઓ, રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ, ફરીયાદીનાં એડવોકેટશ્રીની દલીલો તથા રજુ થયેલ નાં. ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ વિગેરે ધ્યાને લઇ રાજકોટનાં એડી. ચીફ જયુ. મેજી. શ્રી અને સીનીયર સીવીલ જજ શ્રી એન. એચ. વસવેલીયા ત્હોમતદારને એક વર્ષની સજાનો હુકમ તથા રૂ. ૩,૪૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર સાંઇઠ દિવસમાં ફરીયાદીને વળતરનાં ચુકવવાનો હુકમ કરેલ છે. અને ત્હોમતદાર જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સજા ભોગવવાનો ત્હોમતદારને હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટનાં એડવોકેટ શ્રી અરવિંદભાઇ રામાવત, તથા અશ્વિન રામાવત, રાજુભાઇ દુધરેજીયા રોકાયેલ હતા.

(3:11 pm IST)