રાજકોટ
News of Tuesday, 22nd October 2019

ભાજપે મળતિયાઓને ખટાવવા ફુટપાથ પર હોર્ડીંગ્સ લગાવી નિયમ ભંગ કર્યો : વશરામ સાગઠીયા

હવે લોકોનો ચાલવાનો હકક છીનવી લેવાયો : વિપક્ષી નેતાના આક્ષેપો

રાજકોટ તા. રર :.. શહેરની ફુટપાથો ઉપર હોર્ડીગ્સ બોર્ડ લગાવીને ખુદ ભાજપના શાસકોએ નિયમ ભંગ કરી નાગરિકોનો ફુટપાથ પર ચાલવાનો હકક પણ છીનવી લીધાનો આક્ષેપ  વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે રાજકોટ મહાનગરપાલિકાના પોતે જ કાયદાનું પાલન કરતી નથી. રાજકોટ મહાનગરપાલિકાના રોડ ઉપર લોકોને ચાલવા માટે ફુટપાથ કરવી ફરજીયાત છે તેના અનુસંધાનમાં દરેક મોટા રોડ-રસ્તા રાજમાર્ગ વગેરે ઉપર લોકોને ચાલવા માટેનો બન્ને તફ ફુટપાથ બી.પી.એમ. સી. એકટમાં જોગવાઇ અને રસ્તાના નિયમો મુજબ રાખવા ફરજીયાત છે. પરંતુ આ નિયમોનો ભંગ પોતે જ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને તોડે છે જેના જીવતા જાગતા દાખલાઓએ છે કે શહેરના કોઇપણ મુખ્ય માર્ગ ઉપર જોવા ગમે તે ચાર રસ્તા ઉપર જાવ તો જાહેરાતના મોટા મોટા હોડિંગ્સ બોર્ડ જોવા મળશે અને ફુટપાથ માં જ વૃક્ષો વાવી દીધા છે. તેથી લોકોને ચાલવું પણ અધરું થઇ ગયું છે એનો સિધો અર્થ એ છે કે કોર્પોરેશન પોતે જ નિયમોનો ભંગ કરી જાહેરાતોના બોર્ડની મંજૂરી આપે છે જે ગેરકાયદેસર છે.

હવે આગામી દિવસોમાં આ બોર્ડ ઉતારવા માટે અમારી માંગણી છે કોઇ રસ્તે ચાલતા લોકો માથે જો આ તોતીંગ બોર્ડ પડશે તો મોટી જાનહાની થઇ શકે તેમ છે તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓ રહેશે તેમ શ્રી સાગઠીયાએ નિવેદનનાં અંતે જણાવ્યું છે.

(3:09 pm IST)