રાજકોટ
News of Tuesday, 22nd October 2019

પતિએ દિવાળી પછી અલગ રહેવા જવાનું કહેતાં આશાએ ઝેર પી જિંદગી છોડી દીધી

ખંભાળીયાના નનાળા ગામે માવતર ધરાવતી આહિર પરિણિતાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા'તાઃ માધાપર ચોકડી પાસે કેવલમ્ કિંગડમ એપાર્ટમેન્ટમાં બનાવઃ પતિ મયુર છુછર મુળ જામનગરના વતની

રાજકોટ તા. ૨૨: માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટી નજીક કેવલમ્ કિંગડમ એપાર્ટમેન્ટ ૨૦૨માં રહેતી આશાબેન મયુરભાઇ છુછર (ઉ.૨૪) નામની આહિર પરિણીતાએ ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આશાબેને રાત્રે સાડા દસેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ આજે સવારે તેણીએ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમાર અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર આશાબેનના માવતર ખંભાળીયાના નનાળા ગામે રહે છે. તેણીના લગ્ન મુળ જામનગરના મયુર છુછર સાથે બે વર્ષ પહેલા થયા હતાં. પતિ મયુર શિતલ પાર્કમાં વાહનોનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. તેના કહેવા મુજબ ત્રણેક વર્ષથી પોતે સપિરિવાર જામનગરથી રાજકોટ રહેવા આવ્યા છે. પત્નિને હાલમાં સંયુકત પરિવારથી અલગ રહેવા જવું હોઇ પણ હાલમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોઇ જેથી દિવાળી પછી પૈસાનો મેડ કરી અલગ રહેવા જશું તેમ તેણીને સમજાવ્યું હતું. પરંતુ આ કારણે તેને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. બનાવથી પતિ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયો હતો.

(1:06 pm IST)