રાજકોટ
News of Tuesday, 22nd October 2019

સ્ટેટ બેન્કનું ક્રેડીટ કાર્ડ રાખવાનો શોખ ભારે પડયોઃ વિદેશથી ઠગબાજે ૧ લાખથી વધુના વ્યવહારો કરી ચૂનો લગાવી દીધો

મધરાત્રે ૩.૧૫ કલાકે ડોલરમાં ૬ વ્યવહારો થયાના ધડાધડ એસએમએસ આવતા કાર્ડધારક ચોંકી ઉઠયાઃ સાયબર ક્રાઈમમા ફરીયાદ

રાજકોટ, તા. ૨૨ :. ક્રેડીટ કાર્ડ રાખવાનો શોખ અહીંના એક યુવાનને ભારે પડયો છે. કેટલાક ઠગબાજો કે હરામખોરોએ આ ક્રેડીટ કાર્ડનો દુરૂપયોગ કરી ડોલરમાં રૂ. ૧ લાખનો ચૂનો લગાડી દીધો હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે અત્રેના સાયબર ક્રાઈમમાં ફરીયાદ પણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ રહેતા રશ્મીનભાઈ ચંદારાણાએ ૩ મહિના પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનું ક્રેડીટ કાર્ડ લીધુ હતું. અત્યાર સુધી તેમણે આ કાર્ડ થકી નાના વ્યવહારો કર્યા હતા પરંતુ તા. ૨૧મી રાત્રીના રોજ ૩.૧૫ કલાકે તેમના મોબાઈલમાં એક સાથે ૬ વ્યવહાર થયાના એસએમએસ આવ્યા અને તેમના કાર્ડ થકી રૂ. ૧ લાખથી વધુના વ્યવહાર કરી નાખવામાં આવ્યા. જો કે તેમણે આ કોઈ વ્યવહાર કરેલા નથી. તેમને જે એસએમએસ આવ્યા તે વિદેશમાં તેમના કાર્ડનો દુરૂપયોગ કરી ડોલર થકી વ્યવહાર કરી નાખવામાં આવ્યા હતા.

આ પછી તેઓ તરત જ સવારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગયા હતા અને પોતાનુ બ્લોક કરવાની અરજી આપી હતી. બેન્ક તરફથી તેમને આવતી ૧૩મી સુધી રાહ જોવાનુ જણાવતા તેઓ ચિંતાતુર બની ગયા હતા અને જણાવ્યુ હતુ કે, ત્યાં સુધીમાં વધુ વ્યવહારો થઈ જાય તો જવાબદારી કોની ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમના કહેવા મુજબ તેમની પાસે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનું ખાતુ નથી પરંતુ તેઓ માત્ર કાર્ડ જ ધરાવે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે મેં મારા ઓટીપી નંબર પણ આપેલ નથી આમ છતા મારા કાર્ડનો દુરૂપયોગ કરી મને ૧ લાખથી વધુ રૂપિયાનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા તરફથી તેમને અસરકારક પ્રતિભાવ નહિ મળતા તેઓ ગઈકાલે સાંજે સાયબર ક્રાઈમમાં પોતાની ફરીયાદ નોંધાવવા ગયા હતા અને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)