રાજકોટ
News of Tuesday, 22nd October 2019

સ્ટેટ બેન્ક-આઈઓબી સિવાયની બેન્કોમાં સજ્જડ હડતાલ

આજે સવારે જિલ્લા મથકોએ કર્મચારીઓએ મર્જર સામે વિરોધ પ્રગટ કરતા દેખાવો યોજ્યા : ગુજરાતના ૨૦ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાયાઃ ૧૫૦૦૦ કરોડના નાણાકીય કામકાજ ખોરવાયા

દેશવ્યાપી બેંક હડતાલ સંદર્ભે આજે રાજકોટમાં જાહેર ક્ષેત્રની બેંકો સજ્જડ બંધ રહી છે. તસ્વીરમાં યુનિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા બંધ હોવાનું નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. જાહેર ક્ષેત્રની ૧૦ બેન્કોના મર્જરના વિરોધમાં આજે બે યુનિયનોએ આપેલા હડતાલના એલાન સંદર્ભે સ્ટેટ બેન્ક અને આઈઓબી સિવાયની બેન્કોમાં સજ્જડ હડતાલ રહી છે. આ હડતાલમાં રાજ્યમાં ૨૦ હજાર કર્મચારીઓ જોડાયા છે અને બેન્કમાં ૧૫૦૦૦ કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. આજે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ જિલ્લા મથકે ઉગ્ર દેખાવો યોજી મર્જરના આ પગલાનો વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં આજે સવારે ૧૦.૩૦ કલાકે બેન્ક ઓફ ઈન્ડીયા પરાબજાર ખાતે યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારી ભાઈ-બહેનો એકઠા થયા હતા અને મર્જર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મર્જરનું પગલુ ભયાનક હોવાનું જણાવાયુ હતું.

આજની હડતાલમાં બરોડા બેન્ક, દેના બેન્ક, બેન્ક ઓફ ઈન્ડીયા, યુનિયન બેન્ક, સેન્ટ્રલ બેન્ક, સિન્ડીકેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક સહિતની બેન્કોના કર્મચારીઓ જોડાયા છે. આજે મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ સહિતના શહેરો અને જિલ્લામાં બેન્ક કામદારોએ ઉગ્ર દેખાવો યોજ્યા હતા.

આજની હડતાલમાં સ્ટેટ બેન્ક અને આઈઓબીના કર્મચારીઓ જોડાયા નથી. તો બીજી તરફ સહકારી બેન્કો પણ ચાલુ રહી છે. એટલુ જ નહિ ખાનગી બેન્કોમાં પણ રાબેતા મુજબ કામકાજ થયુ હતું. જો કે કામકાજને અસર થવા પામી હતી. ગઈકાલે સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પણ કોઈ સમાધાન થઈ શકયુ ન હતું.

(3:11 pm IST)